PM મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પી, 400 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે PM મોદી (31મી ઓક્ટોબર) સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે યોજાયેલી ‘રાષ્ટ્રીય…

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે PM મોદી (31મી ઓક્ટોબર) સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે યોજાયેલી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં વિશેષ સહભાગી થયા છે. વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ દરમિયાન સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય સમારોહ પૂર્વે વડાપ્રધાન મોદીના હસ્તે 400 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તેમણે એકતાનગર ખાતે આવેલા રેન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લેવાનો કાર્યક્રમ પણ નિર્ધારિત છે.

વડાપ્રધાનના કાર્યક્રમ મુજબ, સવારે 10:41 વાગ્યાથી સાંજે 5:10 વાગ્યા સુધી તેઓ સર્કિટ હાઉસ ખાતે રોકાશે. ત્યારબાદ સાંજે 5:15 વાગ્યે એકતા પથ જવા રવાના થશે. જ્યાં સાંજે 5:30થી 7:40 વાગ્યા સુધી યોજાનારી ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડમાં ઉપસ્થિત રહી સલામી ઝીલશે.

રાષ્ટ્રીય એકતા પરેડમાં વિવિધ સુરક્ષા દળો અને સાંસ્કૃતિક ટુકડીઓ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન એકતાનગરથી વડોદરા એરપોર્ટ જવા રવાના થશે અને રાત્રે 9:10 વાગ્યે દિલ્હી જવા પ્રસ્થાન કરશે.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે બનાસકાંઠાના ભીલડી ખાતે વિકાસકાર્યોના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદી એકતાનગર પહોંચ્યા હતા. અહીં તેમણે ‘એકતા પ્રકાશ પર્વ’ની મુલાકાત લીધી હતી અને રોશનીની વિવિધ કૃતિઓ નિહાળી હતી. આ સાથે જ ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન પણ કર્યું હતું. ત્યારબાદ નર્મદા ઘાટ ખાતે યોજાયેલી મહાઆરતીમાં વડાપ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. મહાઆરતી દરમિયાન ‘નર્મદે હર… જીવનભર’ના નાદથી સમગ્ર એકતાનગર ભક્તિમય માહોલમાં ગુંજી ઉઠ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *