જિયોના ઐતિહાસિક આઈપીઓની સફળતાની ઉજવણી કરાઈ

  જુદા જુદા ગામોમાં યોજાયેલા ભોજન સમારંભમાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા – ભારતની ડિજિટલ ક્રાંતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારી રિલાયન્સ ગ્રુપની કંપની જિયો પ્લેટફોર્મ્સે તેની સ્થાપનાનાં 10…

 

જુદા જુદા ગામોમાં યોજાયેલા ભોજન સમારંભમાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા –

ભારતની ડિજિટલ ક્રાંતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારી રિલાયન્સ ગ્રુપની કંપની જિયો પ્લેટફોર્મ્સે તેની સ્થાપનાનાં 10 વર્ષ પૂર્ણ કર્યાં છે. બીજી તરફ જિયો પ્લેટફોર્મ્સના દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા આઈપીઓને મળેલા ઐતિહાસિક સબસ્ક્રિપ્શને નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. ગઈકાલે બુધવારે જિયોના આઈપીઓનું લિસ્ટિંગ થતાં જ દેશભરના રોકાણકારોમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે અંબાણી પરિવારે જામનગર સ્થિત રિલાયન્સની રિફાઈનરીની આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પરિવારો માટે ભોજન સમારંભ આયોજિત કર્યા હતા.

આ અનોખી સામૂહિક ઉજવણીના ભાગરૂપે આજે બપોરે રિફાઇનરીની નજીકના નાની ખાવડી, કાનાછીકારી અને ડેરાછીકારી ગામોમાં સામૂહિક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જિયો પ્લેટફોર્મ્સના શેરના લિસ્ટીંગના શુભ પ્રસંગે આ ભોજન સમારંભો થકી અંબાણી પરિવારે જામનગર રિફાઈનરી આસપાસના ગ્રામ્ય વિસ્તારોને યાદ કરી, તેમની સાથેનો આત્મીય સંબંધ જાળવી રાખ્યો હોવાની ગ્રામજનોએ લાગણી વ્યક્ત કરી હતી. અંબાણી પરિવારે પોતાની ઐતિહાસિક સફળતાની ખુશીઓ ગ્રામજનો સાથે વહેંચીને તેમને પણ આ ઉજવણીમાં સહભાગી બનાવ્યા હતા, જે લાગણીને ગ્રામજનોએ હર્ષભેર આવકારી હતી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણી તથા કંપનીના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ બે અલગ-અલગ સ્થળોએ યોજાયેલા આ સામૂહિક ભોજન સમારંભમાં નાની ખાવડી, કાનાછીકારી અને ડેરાછીકારી ગામના ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને પ્રીતિભોજનનો સ્વાદ માણ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનોએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સફળતા બાદ જિયોની ઐતિહાસિક સિદ્ધિને પણ વધાવી લીધી હતી. સાથે જ અંબાણી પરિવાર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરતાં સૌએ તેમને આશીર્વાદ પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *