જિયોમાં વિશ્ર્વાસ મુકનાર કરોડો ભારતીયોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા અનંત અંબાણી

અતિ આદરણીય વડીલો,અમારા મૂલ્યવાન શેરધારકો,અમારા ભાગીદારો, સલાહકારો અને સ્ટોક એક્સચેન્જના મિત્રો,આપ સૌને મારા સાદર પ્રણામ. જય શ્રીકૃષ્ણ! આજે હું મારી વાતની શરૂૂઆત એક એવા શબ્દથી…

અતિ આદરણીય વડીલો,અમારા મૂલ્યવાન શેરધારકો,અમારા ભાગીદારો, સલાહકારો અને સ્ટોક એક્સચેન્જના મિત્રો,આપ સૌને મારા સાદર પ્રણામ. જય શ્રીકૃષ્ણ!

આજે હું મારી વાતની શરૂૂઆત એક એવા શબ્દથી કરવા માગું છું, જેનું આજે સૌથી વધુ મહત્ત્વ છે કૃતજ્ઞતા. જિયોમાં વિશ્વાસ મૂકનારા અને આજના આ ઐતિહાસિક દિવસને શક્ય બનાવનારા કરોડો ભારતીયો પ્રત્યે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર !

આજે સ્ટોક એક્સચેન્જમાં વાગનારી ઘંટડીનો નાદ મારા માટે મંદિરની ઘંટડીના પવિત્ર નાદ સમાન હશે. કારણ કે મારા માટે વ્યવસાય એ પૂજા છે અને દરેક પૂજાની પૂર્ણાહુતિ પ્રસાદથી થાય છે. આજના આ પવિત્ર દિવસને અમે ભગવાન શ્રીગણેશજી, ભગવાન દ્વારકાનાથજી, ભગવાન શ્રીનાથજી, ભગવાન બાલાજી અને જીવંત દેવી સમાન ભારતમાતાના ચરણોમાં સમર્પિત કરીએ છીએ.

પ્રસાદ હંમેશાં સૌની સાથે વહેંચવામાં આવે છે. આજે જિયો પણ ભારત સાથે વહેંચાઈ રહ્યું છે.
ભાઈઓ અને બહેનો, ભારતની સૌથી મોટી મૂડી તેનાં સપનાં છે. અહીં દરેક વ્યક્તિનું પોતાનું એક સપનું છે. અહીં કોઈના હાથ ખાલી હોઈ શકે છે, પરંતુ તેની આંખોમાં ક્યારેય સપનાં ખાલી હોતાં નથી. વર્ષો પહેલાં ચોરવાડના એક સામાન્ય ઘરમાંથી પણ એક સપનાનો જન્મ થયો હતો. એક એવો યુવાન, જે એડનમાં પેટ્રોલ પંપ પર નોકરી કરતો હતો. ન પૈસા હતા, ન કોઈ ઓળખાણ. એ હતા આદરણીય દાદાશ્રી ધીરુભાઈ અંબાણી. તેમણે દુનિયાને બતાવ્યું કે એક સામાન્ય ભારતીય પણ અસાધારણ સપનાં જોઈ શકે છે અને તેમને સાકાર પણ કરી શકે છે. ત્યારબાદ મારા પિતાશ્રીએ એક સપનું જોયુંભારત કોઈનાથી પાછળ નહીં રહે. જામનગરની ઉજ્જડ ગણાતી ધરતી પર વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ઊભી કરીને તેમણે આ સપનાને સાકાર કરી બતાવ્યું. તેમણે સાબિત કર્યું કે જ્યારે ભારત કંઈક બનાવે છે, ત્યારે આખી દુનિયા તેની તરફ નજર કરે છે.

ત્યારબાદ આવ્યો નવો ભારત, યુવા ભારત અને એક નવું સપનું. દરેક હાથમાં ઇન્ટરનેટ અને દરેક ગામ સુધી આખી દુનિયાની પહોંય. આ સપનાનું નામ હતું જિયો. આ સપનાનું બીજ ઈશા દીદીએ વાવ્યું અને આકાશ ભાઈએ એ બીજને પોતાના સપનામાં પરિવર્તિત કર્યું. જિયોને સમગ્ર દેશના આશીર્વાદ મળ્યા. માતાએ કહ્યું, જીઓ મારા લાલ!” દાદીએ આશીર્વાદ આપ્યા, “જુગ જુગ જીઓ!” અને મિત્રોએ કહ્યું, જીઓ યાર! કદાચ જિયો દુનિયાનું પહેલું એવું નામ છે, જે પોતે જ એક આશીર્વાદ છે.

જિયો જેણે અંતર ઘટાડયાં અને સપનાં સાકાર કર્યા જ્યારે આખી દુનિયા થંભી ગઈ હતી, ત્યારે શાળાઓ બંધ થઈ હતી, પરંતુ શિક્ષણ અટક્યું નહોતું. દીકરો ઘર છોડીને શહેરમાં ગયો હતો, પરંતુ માતા તેનાથી દૂર નહોતી થઈ. શાકભાજીને હજી કેટલી વાર રાંધવાની છે, તે પણ માતા વીડિયો કોલ પર શાકભાજીનો રંગ જોઈને જણાવી શકતી હતી. આજે ભગવાનનાં દિવ્ય દર્શન પણ ઘેર બેઠાં કરવાનો લહાવો પ્રાપ્ત થઈ રહ્યો છે. એક નાનકડા શહેરની યુવતી, હાથમાં એક મોબાઇલ ફોન અને તેને સાંભળનારા લાખો લોકો! આજે આવા યુવાનોને આપણે ’ઇન્ફ્લુએન્સર’ કહીએ છીએ. હજારો માઇલ દૂર સરહદ પર તહેનાત એક જવાન વીડિયો કોલ પર પોતાના પરિવારને કહે છે, મા, હું ઠીક છું. દીકરી, હું ઠીક છું. મુંબઈનો એક નિષ્ણાત તબીબ રાજસ્થાનના પાલી શહેરમાં ગંભીર રીતે બીમાર દર્દીને જીવનદાન આપવા સક્ષમ બને છે. આ બધાની વચ્ચે જોડતી એક જ કડી છે જિયો.
જિયો કદાચ દેખાતું નથી, પરંતુ ભારતનાં દરેક ડિજિટલ સપનામાં તે ધબકે છે. જિયો પર વિશ્વાસ મૂકનારા જિયો પરિવારના 53 કરોડ સભ્યોને અમે સૌથી પહેલાં સાદર વંદન કરીએ છીએ. જિયો તમે બનાવ્યું છે. તમારાં સપનાં સાકાર કરવાં એ જ અમારું સપનું છે.

એક આત્મા, એક સંકલ્પ અને એક ભારત
આજે ઈશા દીદી, આકાશ ભાઈ અને હું તમારી સમક્ષ ત્રણ અલગ વ્યક્તિઓ તરીકે ઊભાં છીએ, પરંતુ અમારી આત્મા એક છે અને અમારો સંકલ્પ પણ એક છે ભારતનાં સપનાંઓનું સન્માન કરવાનો અને તેમને સાકાર કરવાનો. રિલાયન્સ હંમેશાં નવાં સપનાં જોતું રહેશે. પરંતુ અમારી સંસ્થાનાં મૂળિયાં હંમેશાં એ જ રહેશે- મારા દાદાશ્રીનાં સપનાં, મારી દાદીનાં આશીર્વાદ, મારા પિતાશ્રીનું માર્ગદર્શન અને મારી માતાએ આપેલા નમ્રતા તથા સંવેદનશીલતાના સંસ્કાર. જિયો પરિવારના દરેક સભ્યનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ફિલ્ડ ટીમના સભ્યો, વરસાદ અને કાળઝાળ ગરમીમાં ટાવર પર ચઢીને કામ કરનારા ટેક્નિશિયનો, એન્જિનિયરો, સેવા કર્મચારીઓ, સ્ટોર ટીમો, અમારા રિટેલ ભાગીદારો અને તેમના તમામ પરિવારજનો આપ સૌનો જિયોની સફળતામાં અમૂલ્ય ફાળો છે. આજે જિયો જે કંઈ છે. તે આપ સૌના અથાગ પરિશ્રમને કારણે છે. આજનો આ દિવસ આપ સૌનો છે. આપની મહેનત આજે સફળ થઈ રહી છે અને તેનું પરિણામ સૌની સામે આવી રહ્યું છે.

ડિજિટલ ભારતના સંકલ્પને સાકાર કરનાર નેતૃત્વને વંદન
ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે જિયોને એક હેતુ અને દિશા આપનાર આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદીજી પ્રત્યે પણ અમે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. તેમનું સતત માર્ગદર્શન અને સહયોગ અમારા માટે અત્યંત મૂલ્યવાન છે. આદરણીય મોદીજી, આપને અમારા કોટિ કોટિ પ્રણામ! મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતીકાલ ભારતની છે અને ભારતની આવતીકાલ તેના યુવાનોની છે. વિકસિત ભારતના આ મહાન સ્વપ્નને સાકાર કરવા માટે અમે સૌ સૌથી આગળ ઊભા રહીશું પૂરી નિષ્ઠા, સમર્પણ અને જીવંત પ્રયાસો સાથે.
જય હિન્દ ! જય શ્રીકૃષ્ણ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *