ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના રાજકારણમાં અચાનક મોટી હલચલ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના યુવા આગેવાન ઋત્વિક મકવાણાની એક સોશિયલ મીડિયા પોસ્ટે સ્થાનિક તેમજ પ્રદેશ કક્ષાના રાજકારણમાં મોટો ખળભળાટ મચાવી દીધો છે.
મકવાણાએ દાવો કર્યો છે કે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ તેમજ આમ આદમી પાર્ટીના એક મહત્વપૂર્ણ નેતા કોંગ્રેસ સાથે સીધા સંપર્કમાં છે. આ ઘટસ્ફોટ બાદ સૌરાષ્ટ્રના રાજકીય સમીકરણોમાં મોટા પલટાના સંકેતો મળી રહ્યા છે.સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપના બે કદાવર ચહેરાઓ કોંગ્રેસમાં જોડાવા માટે ઉત્સુક છે અને સંગઠનના મોવડી મંડળ સાથે આ અંગે વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે.
આ ઉપરાંત ગત ચૂંટણીઓમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવેલી આમ આદમી પાર્ટીના પણ એક અગ્રણી નેતા કોંગ્રેસના સંપર્કમાં હોવાની વાત સામે આવી છે. ઋત્વિક મકવાણાના આ નિવેદનથી સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકના રાજકીય માહોલમાં અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે.બીજી તરફ, રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ માત્ર પક્ષ પર દબાણ લાવવાની એક સોગઠી હોઈ શકે છે. પોતાના પક્ષમાં ટિકિટ પાકી કરાવવા, મનપસંદ સમિતિઓમાં સ્થાન મેળવવા કે સંગઠનમાં વજન વધારવા માટે નેતાઓ ઘણીવાર વિરોધી પક્ષ સાથે સંપર્કમાં હોવાના સંકેતો વહેતા કરતા હોય છે.
આ ’પ્રેશર ટેક્ટિક્સ’ દ્વારા મોવડી મંડળ સમક્ષ પોતાનું મહત્વ સાબિત કરવાનો પ્રયાસ પણ હોઈ શકે છે. ચૂંટણી પહેલાં શરૂૂ થયેલા આ રાજકીય સળવળાટથી કોંગ્રેસ ખેમામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતૃત્વમાં દોડધામ મચી ગઈ છે. જો આ દાવો વાસ્તવિકતામાં પરિવર્તિત થશે અને દિગ્ગજ નેતાઓ પક્ષપલટો કરશે, તો સુરેન્દ્રનગર અને તેની આસપાસની વિધાનસભા બેઠકો પર સીધા ત્રિપાંખીયા કે દ્વિપાંખીયા જંગના પરિણામો પ્રભાવિત થઈ શકે છે. હાલ તો ઋત્વિક મકવાણાની આ પોસ્ટ બાદ આ ‘બે નેતાઓ’ કોણ છે તેની શોધખોળ બંને પક્ષોના મોવડી મંડળમાં તેજ બની ગઈ છે.
