ભાજપ સરકારમાં અંગ્રેજ શાસન! ગાંધીનગર DGP કચેરીએ કોંગ્રેસની કૂચ

ગુજરાતમાં પોલીસ દમન, ખોટા પોલીસ કેસો અને વિપક્ષ સામે ભેદભાવપૂર્ણ કાર્યવાહીના આક્ષેપો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે ગુજરાત પોલીસ ભવન, ગાંધીનગર ખાતે રાજ્યના પોલીસ…

ગુજરાતમાં પોલીસ દમન, ખોટા પોલીસ કેસો અને વિપક્ષ સામે ભેદભાવપૂર્ણ કાર્યવાહીના આક્ષેપો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે ગુજરાત પોલીસ ભવન, ગાંધીનગર ખાતે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)ને આવેદનપત્ર આપ્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભા વિરોધ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણી, ધારાસભ્ય દિનેશજી ઠાકોર, કાંતિ ખરાડી, ઇમરાન ખેડાવાલા, અમરતજી ઠાકોર, ઓડિસ્સાના પ્રભારી લાલજી દેસાઈ, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ, ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખ શક્તિકુમાર પટેલ, સહિતના કોંગ્રેસના આગેવાનો, શહેર જિલ્લા પ્રમુખ, કોર્પોરેટરો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં પોલીસ તંત્ર નિષ્પક્ષ રીતે કામગીરી કરતું નથી. વિપક્ષના નેતાઓ, કાર્યકરો અને સરકારની નીતિઓનો વિરોધ કરતા નાગરિકોને નિશાન બનાવવામાં આવે છે.

કોંગ્રેસે તાજેતરની ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. આવેદનપત્ર મુજબ, વોર્ડ નંબર-4ના કોંગ્રેસના ઉમેદવાર યુનુસ પરમારને ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અટકમાં લેવામાં આવ્યા હતા. તેમના સમર્થકોને પણ એલસીબી દ્વારા સેક્ટર-7 પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. કોંગ્રેસના ઉમેદવારને ખોટી રીતે પોલીસ સ્ટેશનને લઈ ગયા હતા તેમને છોડાવવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સૂર્યસિંહ ડાભી સહિતના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને ત્યારબાદ આ આગેવાનો સામે પણ ગુના નોંધવામાં આવ્યા હતા. કોંગ્રેસે આ કાર્યવાહીની તપાસ કરવાની માગણી કરી હતી.

કોંગ્રેસે જણાવ્યું હતું કે વિપક્ષ અને નાગરિક સંગઠનોને વિરોધ પ્રદર્શન માટે મંજૂરી મેળવવામાં મુશ્કેલી પડે છે. બીજી તરફ, ભાજપના નેતાઓને કાર્યક્રમો માટે મંજૂરી આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો હતો. કોંગ્રેસ કાર્યાલયની બહાર થયેલા વિરોધ પ્રદર્શનો અને પૂતળાદહનના બનાવોમાં પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન કોંગ્રેસના નેતાઓને અટકાયતમાં લેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. આવા કિસ્સાઓમાં બંધારણીય અધિકારોનું રક્ષણ કરવાની માગણી કરવામાં આવી હતી.

પાટણમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે બનેલી ઘટનાનો મુદ્દો પણ આવેદનપત્રમાં ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના આક્ષેપ મુજબ, રાહુલ ગાંધીની તસવીર પર શાહી છાંટવાના પ્રયાસને લઈને વિવાદ થયો હતો. આ મામલે મહિલા આગેવાનો જમાબેન ઠાકોર અને ભૂમિકાબેન પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કેટલાક યુટ્યુબર અને સોશિયલ મીડિયા પર સક્રિય યુવાનોના એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. આ કાર્યવાહી કયા કાયદાકીય આધારે કરવામાં આવી તેની તપાસ કરવાની માગણી કરાઈ હતી.

દરમિયાન, ગાંધીનગર જિલ્લાના ખોરજ ગામમાં ઠાકોર પરિવારની જમીન અંગેના વિવાદનો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે આશરે રૂૂ. 150 કરોડની કિંમતની જમીન રૂૂ. 1 કરોડમાં લખાવી લેવાનો પ્રયાસ થયો હતો. આ મામલે ગાંધીનગર રેન્જના આઈજી વિરેન્દ્ર યાદવ, અડાલજ પોલીસ સ્ટેશનના પી.આઈ. દેસાઈ અને અન્ય સંબંધિત અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવાની માગણી કરવામાં આવી હતી.

કોંગ્રેસે નીચેના મુદ્દાઓની તપાસ કરવાની માગણી કરી હતી
વિપક્ષના નેતાઓ અને કાર્યકરો સામે નોંધાયેલા કથિત ખોટા કેસો સામે તપાસ કરી રદ કરો
વિરોધ પ્રદર્શનોની મંજૂરીમાં થતો કથિત ભેદભાવ
નાગરિકોની ફરિયાદો નોંધવામાં થતી બેદરકારી.
જમીન અને મિલકતના વિવાદોમાં પોલીસ અધિકારીઓની કથિત સંડોવણી.
રાજકીય કાર્યક્રમો દરમિયાન થતી અટકાયત અને ધરપકડો.
પોલીસ અધિકારીઓની મિલકતો અને ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *