જામનગરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સરકારી પક્ષે વિવિધ ફોજદારી અને દીવાની કેસોમાં રજૂઆત કરતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી સહિત પાંચ સરકારી વકીલો વયમર્યાદા પૂર્ણ થતાં નિવૃત્ત થયા છે.
રાજ્ય સરકારના નિયત ધારાધોરણો અનુસાર આ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. વયનિવૃત્ત થયેલા સરકારી વકીલોમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી ઉપરાંત હેમેન્દ્રભાઈ મહેતા, હિતેશભાઈ સવજાણી, મુકેશભાઈ જાની અને મહિલા સરકારી વકીલ ભારતીબેન વાદીનો સમાવેશ થાય છે. આ તમામે જામનગર અદાલતમાં સરકારી પક્ષે વિવિધ કેસોમાં કાયદાકીય રજૂઆતો કરી સેવાઓ આપી હતી.
દરમિયાન, અદાલતમાં સરકારી પક્ષને લગતી દૈનિક કાર્યવાહી અને કેસોના સંચાલનમાં વિક્ષેપ ન પડે તે માટે જિલ્લા સરકારી વકીલ તરીકેનો વધારાનો હવાલો ધારાશાસ્ત્રી ધર્મેન્દ્રભાઈ જીવરાજાણીને સોંપવામાં આવ્યો છે.
