ગુજરાત રાજ્યમાં હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે. આવા સમયે વીજળીનું સંકટ ના ઘેરાય માટે રાજ્ય સરકારે ગંભીરતા દાખવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાનો દિલ્હી પ્રવાસ પૂર્ણ કરીને ગુજરાત પરત ફર્યા હતા. તેઓ વિમાનમથકેથી સીધા ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે તાત્કાલિક અસરથી ઊર્જા વિભાગની એક મહત્વપૂર્ણ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ઊર્જા વિભાગના તમામ અધિક મુખ્ય સચિવો અને ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં વીજળીના વર્તમાન ઉત્પાદન તેમજ દૈનિક માગ અંગેની વિસ્તૃત વિગતો મેળવી હતી. અધિકારીઓએ રાજ્યના વિવિધ પાવર પ્લાન્ટ્સની કાર્યક્ષમતા અને કોલસાના જથ્થાની સ્થિતિ રજૂ કરી હતી. ઉદ્યોગો અને ગ્રામીણ વિસ્તારોમાં વીજળીનો પૂરવઠો ખોરવાય નહીં તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ તમામ પાવર સ્ટેશનો પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવા કડક સૂચનાઓ આપી હતી.
આગામી દિવસોમાં મોટા તહેવારો આવી રહ્યા હોવાથી રાજ્યમાં વીજળીનો વપરાશ ખૂબ જ વધી જવાની સંભાવના છે. સામાન્ય નાગરિકોને તહેવારોના દિવસોમાં પાવર કટની હાલાકી ભોગવવી ન પડે તે માટે વિશેષ આયોજન ઘડવામાં આવ્યું હતું. અધિકારીઓએ પીક અવર્સ દરમિયાન વીજ વ્યવસ્થા જાળવી રાખવા માટેનો ખાસ એકશન પ્લાન મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો. કોઈપણ ભોગે રહેણાંક વિસ્તારોમાં વીજળીની ઘટ ન સર્જાય તે બાબતને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવાયો હતો.
રાજ્યમાં સર્જાયેલી અછતને પહોંચી વળવા કેન્દ્ર સરકાર તરફથી ઉપલબ્ધ કરાવાતી સહાય અંગે પણ ગહન મંથન થયું હતું. સેન્ટ્રલ પૂલમાંથી ગુજરાતને વધારાનો વીજ જથ્થો ફાળવવા બાબતે કેન્દ્રીય ઊર્જા મંત્રાલય સાથે ઝડપી સંકલન સાધવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કેન્દ્રમાંથી સમયસર મદદ મેળવીને રાજ્યની જરૂૂરિયાત પૂરી કરવા અધિકારીઓને સ્પષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
