શિક્ષકોના બિન-શૈક્ષણિક કામના ભારણને ઘટાડવા માટે ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.જેમાં શિક્ષકોની તાલીમ,ઓનલાઈન પોર્ટલ પર ડેટા એન્ટ્રી અને અન્ય સરકારી વિભાગો દ્વારા સોંપાતા વૈતરા સમાન બિનશૈક્ષણિક કામોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠકમાં શિક્ષકોને બિનજરૂૂરી ઓનલાઈન એન્ટ્રીઓ અને અન્ય વધારાની કામગીરીમાંથી મુક્તિ આપીને વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય માટે વધુ સમય મળી રહે તે હેતુથી ઉચ્ચ અધિકારીઓની એક વિશેષ સમિતિ રચવાનો નિર્ણય લેવાયો છે.શિક્ષકો પર વધતા જતાં કામના ભારણને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આ કામગીરી ઘટાડવા અંગે રજૂઆત કરતો પત્ર લખવામાં આવ્યો હતો.જેના પગલે સરકાર દ્વારા આ સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે.
શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ કહ્યું હતું કે,શિક્ષકોના પ્રશ્ને રાજ્ય સરકાર દ્વારા મિશન મોડ પર કામગીરી હાથ ધરવામાં આવી છે.શિક્ષણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા શિક્ષણ વિભાગના અગ્રસચિવ વિનોદ રાવ અને પ્રાથમિક શિક્ષણ નિયામક પ્રકાશ ત્રિવેદીની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં શિક્ષણ વિભાગ, જીસીઆરટી તથા સમગ્ર શિક્ષણના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં શિક્ષકોની તાલીમ અંગે વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ હતી. આ સમિતિ શિક્ષકોના કામ સાથે જોડાયેલા તમામ પાસાઓનો તલસ્પર્શી અભ્યાસ હાથ ધરશે. સમિતિ પોતાનો વિગતવાર અભ્યાસ પૂર્ણ કરીને રાજ્ય સરકારને વિસ્તૃત અહેવાલ સુપરત કરશે.
આ અહેવાલના આધારે સરકાર શિક્ષકો અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને આખરી નિર્ણય કરશે. શિક્ષકો શિક્ષણ કાર્યમાં પૂર્ણ ક્ષમતાથી જોડાઈ શકે તે માટે આ પગલું ભરાયું છે.રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા વધુ સુદ્રઢ અને મજબૂત બનાવવા માટે વહીવટી સ્તરે મક્કમ પગલું લેવાયું છે. બાળકોની અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા વધુ સુચારુ બને તે માટે સમય વધારવો જરૂૂરી છે. શિક્ષકો વર્ગખંડમાં નિર્ધારિત સમય આપી શકે તો શિક્ષણનું સ્તર આપોઆપ ઊંચું આવશે. બિનશૈક્ષણિક જવાબદારીઓ હળવી થવાથી શિક્ષકો સંપૂર્ણ સમય વિદ્યાર્થીઓના અભ્યાસ પાછળ ફાળવી શકશે. સરકારના આ અભિગમથી શૈક્ષણિક વાતાવરણ સુધરશે.
શિક્ષકોનું ભારણ ઘટાડવા કમિટી રચાશે
વિવિધ ઓનલાઇન પોર્ટલ પર કરવી પડતી એન્ટ્રીઓની સમીક્ષા થઈ હતી.સરકારી વિભાગો દ્વારા શિક્ષકોને સોંપાતી કામગીરી અંગે વિચારણા કરાઈ હતી.તમામ અધિકારીઓએ શિક્ષકોનું ભારણ ઘટાડવા મંતવ્યો રજૂ કર્યા હતા.બેઠકમાં થયેલી ચર્ચા મુજબ શિક્ષકોની કામગીરી સરળ બનાવવા માટે એક વિશેષ સમિતિ રચવાની સૂચના આપવામાં આવી છે.
