સરકાર સાથેની મંત્રણા નિષ્ફળ, કાલથી સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ આંદોલન પર

કાળી પટ્ટી બાંધશે, વોટ્સએપ ગ્રુપમાંથી લીફટ થશે 287 કચેરીના 600 કર્મચારીઓ રાજ્ય સરકાર અને સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ વચ્ચે પડતર પ્રશ્નોને લઈને ચાલી રહેલી મંત્રણા…

કાળી પટ્ટી બાંધશે, વોટ્સએપ ગ્રુપમાંથી લીફટ થશે 287 કચેરીના 600 કર્મચારીઓ

રાજ્ય સરકાર અને સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ વચ્ચે પડતર પ્રશ્નોને લઈને ચાલી રહેલી મંત્રણા નિષ્ફળ જતાં કર્મચારીઓએ આવતીકાલથી આંદોલન શરૂૂ કરવાનો નિર્ણય લીધો છે. સરકાર સાથે બે દિવસ સુધી ચાલેલી મંત્રણા છતાં કોઈ નક્કર ઉકેલ નહીં આવતાં અને સરકાર દ્વારા હજુ સુધી લેખિતમાં બાંહેધરી આપવામાં નહીં આવતાં કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

મળતી વિગતો અનુસાર, આવતીકાલથી કર્મચારીઓ કાળી પટ્ટી બાંધીને પોતાની ફરજ બજાવતાં વિરોધ નોંધાવશે. આ ઉપરાંત વોટ્સએપ ગ્રૂપમાંથી લેફ્ટ થઈને પણ વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે. આ આંદોલનમાં રાજકોટ સહિત સમગ્ર રાજ્યની 287 કચેરીઓના આશરે 600 કર્મચારીઓ જોડાય તેવી શક્યતા છે. આંદોલનના ભાગરૂૂપે કર્મચારીઓ દ્વારા અગાઉ રાજ્યભરમાં જિલ્લા મથકોએ આવેદનપત્રો પણ આપવામાં આવ્યાં હતાં. જોકે, તેમ છતાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં હવે કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં દશેરા અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. તહેવારોના સમયગાળા દરમિયાન મિલકત સહિતના વિવિધ દસ્તાવેજોની નોંધણી માટે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં લોકોની અવરજવર અને કામગીરીમાં વધારો થતો હોય છે. ત્યારે કર્મચારીઓના આંદોલનને કારણે દસ્તાવેજ નોંધણીની કામગીરી પર અસર પડવાની શક્યતા છે. જો આ વિવાદનો વહેલી તકે ઉકેલ નહીં આવે, તો તહેવારોના સમયમાં દસ્તાવેજ નોંધણી કરાવવા આવતા નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *