જાહેર નોકરીમાં સમાવેશ અને સમાનતા સુનિશ્ચિત કરવા માટેના મહત્વના વચગાળાના આદેશમાં ગુજરાત હાઈકોર્ટે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ (જીપીઆરબી)ને ચાલુ પોલીસ ભરતી પ્રક્રિયામાં ક્લાસ-3ની એક જગ્યા ખાલી રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ આદેશ ભાવનગરના 35 વર્ષીય ટ્રાન્સજેન્ડર ઉમેદવારની અરજી પર આવ્યો છે, જેમણે પોલીસ ભરતીમાં ત્રીજા જાતિ માટે અલગ કેટેગરી અને અલગ પસંદગીના માપદંડ ન હોવાનો વાંધો ઉઠાવ્યો હતો.
અરજદાર પાસે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોનું સંરક્ષણ) અધિનિયમ, 2019ની જોગવાઈ હેઠળ જિલ્લા કલેક્ટર દ્વારા જારી કરાયેલ ઓળખનું પ્રમાણપત્ર છે. તેમના આધાર કાર્ડ પર સ્ત્રી તરીકે ઓળખ દર્શાવવામાં આવી છે. અરજી ફોર્મમાં માત્ર પુરુષ અને સ્ત્રી એવી બે જ કેટેગરી હોવાથી પોલીસ સત્તાવાળાઓએ તેમને સ્ત્રી કેટેગરી હેઠળ અરજી કરવાની સલાહ આપી હતી. અરજદારે અનઆર્મ્ડ કોન્સ્ટેબલ અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે અરજી કરી હતી. તેઓ ફિઝિકલ ટેસ્ટ પાસ થયા હતા અને લેખિત પરીક્ષામાં 94 ગુણ મેળવ્યા હતા, પરંતુ સ્ત્રી કેટેગરીની કટ-ઓફ 98.5 ગુણ હોવાથી તેઓ પસંદ થઈ શક્યા ન હતા.અરજીમાં દલીલ કરવામાં આવી છે કે ટ્રાન્સજેન્ડર ઉમેદવારોને બાયનરી જાતિ કેટેગરીમાં સ્પર્ધા કરવાની ફરજ પાડવી એ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે અને સુપ્રીમ કોર્ટના નાલસા ચુકાદા સહિતના મહત્વના નિર્ણયોની વિરુદ્ધ છે. આ ચુકાદાઓમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તરીકે ગણીને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને જાહેર નિમણૂકોમાં અનામત આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
અરજદારના વકીલ હન્નાન કુરેશીએ આ ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો.રાજ્ય સરકારે અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે અરજદારે સ્વેચ્છાએ સ્ત્રી કેટેગરીમાં અરજી કરી હતી અને કટ-ઓફ મેળવવામાં નિષ્ફળ ગયા પછી જ ફરિયાદ ઉઠાવી છે. પ્રાથમિક સુનાવણી બાદ ન્યાયમૂર્તિ અનિરુદ્ધ માયીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ તેમને ત્રીજા જાતિ તરીકે ગણવા જોઈએ અને તેમના બંધારણીય અધિકારોનું રક્ષણ થવું જોઈએ. કોર્ટે જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ જોતાં વર્તમાન ભરતી પ્રક્રિયામાં ટ્રાન્સજેન્ડરને ત્રીજા જાતિ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા નથી અને તેમના માટે કોઈ ખાસ કેટેગરી કે માપદંડ નક્કી કરવામાં આવ્યા નથી. આને ધ્યાનમાં રાખીને અરજીના અંતિમ નિર્ણય સુધી જીપીઆરબીએ એક જગ્યા ખાલી રાખવાનો આદેશ આપ્યો છે. આગામી સુનાવણી 5 જાન્યુઆરી 2027ના રોજ રાખવામાં આવી છે.આ વચગાળાનો આદેશ જાહેર નોકરીમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના અધિકારોને સુરક્ષિત કરવાની દિશામાં એક મહત્વનું પગલું ગણાઈ રહ્યો છે.
