ઈઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં હાઈજેકિંગની આશંકા પાછળનું સાચું અને ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. કોકપિટમાં રહેલા પાયલોટોમાંથી એકે વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બીજા પાયલોટે તેને રોકી લીધો; આ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ સંઘર્ષ દરમિયાન એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને હાઈજેકિંગનો સંકેત મોકલવામાં આવ્યો, જેના પગલે ઈઝરાયેલ સરકાર હાઈ એલર્ટ પર આવી ગઈ.
મુસાફરોના જણાવ્યા અનુસાર, એક પાયલોટે વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો જ્યારે બીજાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. બંને વચ્ચે શારીરિક સંઘર્ષ થયો અને બીજા પાયલોટે મુસાફરો તથા ક્રૂ સભ્યોની મદદથી પ્રથમ પાયલોટને કાબૂમાં લીધો. અહેવાલો સૂચવે છે કે આ ઘટના દરમિયાન કેટલાક મુસાફરોને ઈજાઓ થઈ હતી અને તેઓ લોહીલુહાણ થયા હતા. ઈઝરાયેલી મીડિયાના અહેવાલ મુજબ, ફ્લાયદુબઈ (Flydubai)ની આ ફ્લાઈટમાં 174 લોકો સવાર હતા, જેમાં 24 બાળકોનો સમાવેશ થતો હતો.
વિમાનની અંદર શું થયું?
પાયલોટો વચ્ચેના વિવાદ બાદ શરૂઆતમાં સંકેત મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ, ક્રૂએ ‘ડિસ્ટ્રેસ સિગ્નલ’ (સંકટનો સંકેત) મોકલ્યો. સંકેત મળતાની સાથે જ વિમાનને તાત્કાલિક મેન્યુઅલ કંટ્રોલ પર લેવામાં આવ્યું અને તેને સાઉદી હવાઈ ક્ષેત્ર તરફ વાળવામાં આવ્યું.
થોડા સમય માટે વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને બેન ગુરિયન એરપોર્ટ પર ઉતરાણ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. પાયલોટોએ એર ટ્રાફિક કંટ્રોલના સંદેશાઓનો કોઈ જવાબ આપ્યો નહીં, જેના કારણે વિમાન હાઈજેક થઈ ગયું હોવાની અફવાઓ ફેલાઈ હતી. સાઉદી અરેબિયામાં વિમાનના ઉતરાણ બાદ પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી.
નોઆમ નામની એક ઈઝરાયેલી મહિલાએ ‘ચેનલ 12’ ને જણાવ્યું કે આ ઘટનાની શરૂઆત કોકપિટમાંથી આવતી બૂમોથી થઈ હતી. અહેવાલ છે કે એક પાયલોટને છરી મારવામાં આવી હતી, જેના કારણે કોકપિટમાં હોબાળો મચી ગયો હતો. વિમાન અચાનક નીચેની તરફ જવા લાગ્યું (ઊંચાઈ ગુમાવવા લાગ્યું) અને મુસાફરો પ્રાર્થના કરવા લાગ્યા.
