અમરેલીના રાજુલા તાલુકાના પીપાવાવ ખાતે આવેલા ઇન્ડિયન કોસ્ટગાર્ડ સ્ટેશનમાં ફરજ બજાવતા એક જવાન દ્વારા ગળાફાંસો ખાધો છે. જવાને આપઘાત કરી લેવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. કોસ્ટગાર્ડ સ્ટેશનની મેસ બિલ્ડિંગમાં બનેલી આ ઘટનાથી સમગ્ર પરિસરમાં સન્નાટો છવાઈ ગયો છે. પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડ સ્ટેશનમાં સિપાઈ તરીકે ફરજ બજાવતા 28 વર્ષીય કોટડીયા ધાર્મિક શાંતિલાલ (રહે. જૂનાગઢ) દ્વારા મેસ બિલ્ડિંગમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવવામાં આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ કોસ્ટગાર્ડના કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની માહિતી મળતા જ પીપાવાવ કોસ્ટગાર્ડના સિનિયર અધિકારીઓ તાત્કાલિક રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ અણધારી ઘટનાને પગલે હોસ્પિટલ અને કોસ્ટગાર્ડ પરિસરમાં શોકમય વાતાવરણ સર્જાયું હતું. આ મા અંગે પીપાવાવ મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા કોસ્ટગાર્ડના અન્ય કર્મચારીઓની પૂછપરછ કરીને ઘટના પાછળના કારણો જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ અંગત કારણોસર આપઘાત કર્યો હોવાની પોલીસ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પીપાવાવ મરીન પોલીસની વિસ્તૃત તપાસ બાદ જ આપઘાત પાછળનું સાચું અને ચોક્કસ કારણ બહાર આવશે.
