ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો સાથે સીધો સંપર્ક વધારવાની ભાજપે કવાયત શરૂૂ કરી છે.
જમીન વળતર, વીજળી, પાક વીમા સહિતના મુદ્દાઓને લઈને ખેડૂતોની ફરિયાદો વચ્ચે પક્ષે કિસાન મોરચાને સક્રિય કર્યો છે. ’ચલો ભેરું ગામડે’ અભિયાન હેઠળ નેતાઓ અને કાર્યકરો ગામડાઓમાં જઈ ખેડૂતો સાથે ’ખાટલા પરિષદ’ સહીતના આયોજનો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરપંચો સાથે પણ સંવાદ સાધવાની યોજના છે.
ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવા માટે કિસાન મોરચા દ્વારા ’ચલો ભેરું ગામડે’ અભિયાનને વેગ આપવાની તૈયારી છે. આ કાર્યક્રમ દરમિયાન પક્ષના નેતાઓ અને કાર્યકરો ગામડાઓમાં જઈને ખેડૂતો સાથે રૂૂબરૂૂ ચર્ચા કરશે.
’ખાટલા પરિષદ’ના માધ્યમથી જમીન વળતર, વીજળી અને અન્ય ખેતીલક્ષી સમસ્યાઓ અંગે ખેડૂતોની રજૂઆતો સાંભળવામાં આવશે. પક્ષના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્તરે મળતી ફરિયાદોને સંબંધિત તંત્ર સુધી પહોંચાડીને તેના ઉકેલ માટે પ્રયાસ કરવામાં આવશે.
ખેડૂતો ઉપરાંત ગ્રામ્ય સ્તરે મહત્વની ભૂમિકા ધરાવતા સરપંચો સાથે પણ સંપર્ક વધારવાની યોજના બનાવવામાં આવી છે. આ માટે ’સરપંચ સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ગામડાંના સ્થાનિક પ્રશ્નો, વિકાસકાર્યો અને ખેડૂતોની સમસ્યાઓ અંગે સરપંચો પાસેથી સીધી માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ માધ્યમથી ગ્રામ્ય વિસ્તારોમાં પક્ષના સંગઠન અને સ્થાનિક આગેવાનો વચ્ચે સંકલન વધારવાની કવાયત પણ હાથ ધરાશે.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જમીન વળતર અને વીજળી સંબંધિત પ્રશ્નોને લઈને ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. મોરબીના જેટપાર વિસ્તારમાં ટ્રાન્સમિશન લાઇન માટેની જમીન અને વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન લાંબો સમય ચાલ્યું હતું અને સરકારના વળતર સંબંધિત નિર્ણય અંગે પણ ખેડૂતોમાં અસંતોષ વ્યક્ત થયો હતો.
ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો માટે ગ્રામ્ય મતદારો સાથેનો સીધો સંપર્ક મહત્વનો બની રહ્યો છે. ભાજપે હવે કિસાન મોરચાના માધ્યમથી ગામડાઓમાં બેઠકો અને સંવાદ વધારવાની દિશામાં પગલાં લીધાં છે.
‘ચલો ભેરું ગામડે’, ’ખાટલા પરિષદ’ અને ’સરપંચ સંવાદ’ જેવા કાર્યક્રમો દ્વારા ખેડૂતો તથા સ્થાનિક આગેવાનોના પ્રશ્નો જાણવા અને સંગઠન સાથે તેમનો સંપર્ક વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. હવે આ કાર્યક્રમો બાદ ખેડૂતોની રજૂઆતો પર કેટલો અમલ થાય છે અને ગ્રામ્ય વિસ્તારોમાં તેનો કેવો પ્રતિસાદ મળે છે, તે આગામી સમયમાં સ્પષ્ટ થશે.
વીજલાઇન, પ્રદૂષણ અને દુષ્કાળ સહાયના મુદ્દે ખેડૂતોમાં નારાજગી
ગુજરાતમાં ખાનગી કંપનીઓની વીજલાઇનો નાખવાના મામલે ખેડુતોને ઓછુ વળતર આપી તંત્ર દ્વારા અત્યાચાર ગુજારવાના બનાવો બની રહ્યા છે અને અનેક જિલ્લાઓમાં આ મુદ્દે આંદોલનો ચાલી રહ્યા છે. જયારે અમદાવાદની બગલમાં આવેલા ધોળકા તાલુકામાં પ્રદુષણના મુદ્દે ખેડુતોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું છે. આ ઉપરાંત અડધા ગુજરાતમાં ચાલુ વર્ષે દુષ્કાળ પડયો છે અને ખેડુતોનો પાક નિષ્ફળ ગયો છે. મહામુલુ પશુધન બચાવવાનો પણ પ્રશ્ન છે ત્યારે સરકાર દ્વારા હજુ સુધી દુષ્કાળ સહાય જાહેર નહીં કરાતા ખેડુતોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. આવી સ્થિતિમાં ખેડુતોને રીઝવવા ભાજપ સંગઠન મેદાનમાં આવ્યું છે.
