બિહાર ફરી શર્મસાર: જમુઈ બાદ સમસ્તીપુરમાં યુવતીની જાહેરમાં છેડતી, જુઓ VIDEO

  બિહારના સમસ્તીપુર જિલ્લામાંથી યુવતી સાથે જાહેરમાં છેડતી અને અભદ્ર વર્તનનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. યુવતીને કેટલાક યુવકો રસ્તા પર રોકીને તેની સાથે ગેરવર્તન…

 

બિહારના સમસ્તીપુર જિલ્લામાંથી યુવતી સાથે જાહેરમાં છેડતી અને અભદ્ર વર્તનનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. યુવતીને કેટલાક યુવકો રસ્તા પર રોકીને તેની સાથે ગેરવર્તન કરતા જોવા મળી રહ્યા છે. બે-ત્રણ સ્થાનિક યુવકો છોકરીને અયોગ્ય રીતે સ્પર્શ કરતા તેમજ તેની સાથે અપશબ્દો બોલતા અને ગેરવર્તણૂક કરતા જોવા મળ્યા હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે આ ઘટના જોઈને આસપાસના લોકો હસતા જોવા મળ્યા હતા. સમસ્તીપુરમાં બનેલી છેડતીની આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેનાથી છોકરીઓની સુરક્ષા અંગે નવા સવાલો ઊભા થયા છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના સમસ્તીપુરના કર્પૂરીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના જગતસિંહપુર ગામની છે. બાંધ બાયપાસ રોડ પર કેટલાક યુવકોએ યુવતી સાથે છેડતી, ગાળાગાળી અને અભદ્ર વર્તન કર્યું હતું. બુધવારે મોડી સાંજે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ફરતો થયો હતો. વીડિયો સામે આવ્યા બાદ સમસ્તીપુર પોલીસ હરકતમાં આવી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા 56 સેકન્ડના વીડિયોમાં યુવતી યુવકોથી બચવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. એક યુવક વારંવાર તેનો હાથ પકડીને તેને રોકતો જોવા મળે છે. યુવતી વિરોધ કરે છે અને તેને છોડી દેવા માટે કહે છે.યુવતી વારંવાર કહે છે કે, “મને છોડી દો, હું મારા ભાઈને બોલાવું છું.” જોકે, યુવકો તેને જવા દેતા નથી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી.

પોલીસે કાર્યવાહી કરતા યુ ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. સમસ્તીપુરના પ્રભારી સદર ડીએસપીએ જણાવ્યું કે, વાયરલ વીડિયોમાં દેખાતા ચારેય આરોપીઓને ગુરુવારે સવારે તેમના ઘરેથી ઝડપી લેવામાં આવ્યા છે.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં વિકાસ કુમાર શર્મા અને રાહુલ કુમાર સહિત ચાર યુવકોનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિકાસ કુમાર શર્મા વિરુદ્ધ અગાઉથી દારૂ સંબંધિત અનેક કેસ પણ નોંધાયેલા છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ યુવતીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *