ભાદર ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપાડવા પર મુકવામાં આવેલા પ્રતિબંધના નિર્ણયને પગલે ગોંડલ તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં ભારે રોષ અને અસંતોષની લાગણી વ્યાપી ગઈ છે. ખેડૂતોના આ ગંભીર પ્રશ્ન અને હક માટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ખુલ્લીને સમર્થનમાં આવ્યા છે. પાણી અને વીજળીના પ્રશ્નોના યોગ્ય નિકાલ માટે લીલાખા ગામ સ્થિત આહિર સમાજની વાડી ખાતે ખેડૂતોની એક વિશાળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ભાદર કાંઠાના બાંદ્રા, કંટોલિયા, દેવચડી, શિવરાજગઢ, માંડણ કુંડલા, કમર કોટડા, મોટા સખપર, ધૂળશિયા, સુલતાનપુર, દેવળા, લીલાખા, નવાગામ, ગોમટા, મસીતાળા, ખંભાલીડા અને ભંડારીયા સહિત 16 ગામોના સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ખેતી અને પાણી એકબીજા સાથે સીધા જોડાયેલા છે. જો ખેડૂતને સમયસર પાણી અને વીજળી નહીં મળે તો તેના પરિવારનું જીવન નિર્વાહ મુશ્કેલ બની જશે. ભાદર ડેમનું પાણી ખેડૂતોનો પ્રાથમિક હક છે અને ખેડૂતો સાથે થતા કોઈ પણ પ્રકારના અન્યાયને ચલાવી લેવામાં આવશે નહીં.
તેમણે ઉમેર્યું હતું કે, ગોંડલના ખેડૂતોના પ્રશ્નો માટે તેમનો પરિવાર હંમેશા પ્રથમ પ્રાધાન્ય આપીને પડખે ઊભો રહ્યો છે. આ ગંભીર મુદ્દે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પાણી પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પટેલ સમક્ષ મજબૂત અને અસરકારક રજૂઆત કરવાની તેમણે ખાતરી આપી હતી.
આ બેઠકમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા,પ્રફુલભાઈ ટોળીયા, ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠૂંમર, મહામંત્રી વિશાલભાઈ ખૂંટ, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ઢોલરીયા, શિવરાજગઢ જિલ્લા પંચાયત સદસ્ય લાલજીભાઈ તળાવીયા, ગોપાલભાઈ શીંગાળા, કચરાભાઈ વૈષ્ણવ સહિતના અગ્રણીઓ અને ખેડૂત આગેવાનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.
