જલ જીવન મિશન હેઠળ 19128 કરોડનો જંગી ખર્ચ છતાં મિસ મેનેજમેન્ટ

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં આજે અંતિમ દિવસે રજૂ કરાયેલા ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક (CAG)ના અહેવાલ નં. 03 મુજબ, રાજ્યમાં વર્ષ 2019-20 થી 2023-24 દરમિયાન જલ…

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં આજે અંતિમ દિવસે રજૂ કરાયેલા ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક (CAG)ના અહેવાલ નં. 03 મુજબ, રાજ્યમાં વર્ષ 2019-20 થી 2023-24 દરમિયાન જલ જીવન મિશન (JJM) માટે ફાળવાયેલા કુલ ₹19,471.61 કરોડના ભંડોળમાંથી ₹19,128.18 કરોડ (98.23 ટકા) જેટલો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. આ વિશાળ ખર્ચ છતાં નાણાકીય આયોજનમાં અસંખ્ય વહીવટી અવરોધો અને બેદરકારી જોવા મળી છે.

કેગના તારણો દર્શાવે છે કે રાજ્ય સરકાર દ્વારા સમયસર પોતાનો હિસ્સો મુક્ત ન કરવાને લીધે યોજના ₹3,179.31 કરોડના ભંડોળથી વંચિત રહી ગઈ હતી. આ ઉપરાંત, ફિલ્ડ સ્તરની કામગીરી કરતી એજન્સી વાસ્મો (WASMO)ને ₹3,306.22 કરોડની જંગી રકમ અગાઉથી એડવાન્સ પેટે ચૂકવી દેવામાં આવી હતી, તેમજ સ્ટાફ ક્વાર્ટર અને ઓફિસ બિલ્ડિંગના નિર્માણ પાછળ નિયમબાહ્ય રીતે ₹28.79 કરોડનો અસ્વીકાર્ય ખર્ચ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ, રાજ્યમાં પીવાના પાણી અને સિંચાઈ વ્યવસ્થાને સુદ્રઢ કરવા માટે નર્મદા નહેર આધારિત બલ્ક ટ્રાન્સમિશનનું મોટું નેટવર્ક ઊભું કરવાની જવાબદારી ધરાવતી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GWIL)ની કામગીરીમાં પણ મોટો વિલંબ નોંધાયો છે. GWIL દ્વારા ₹3,034.18 કરોડના અંદાજિત ખર્ચ સાથે હાથ ધરવામાં આવેલી 11 બલ્ક પાઇપલાઇન યોજનાઓમાંથી મોટાભાગની યોજનાઓ 8 થી 25 મહિના જેટલી વિલંબિત રહી હતી. જમીન સંપાદન, વન વિભાગની મંજૂરીઓ અને રેલવે ક્રોસિંગ જેવી વૈધાનિક મંજૂરીઓ મેળવવામાં વિલંબ થતાં સિંચાઈ અને પીવાના પાણીની મહત્વની પાઇપલાઇન લાઇન યોજનાઓ નિયત સમયમર્યાદામાં પૂરી થઈ શકી નથી, જેના કારણે જંગી ખર્ચ છતાં લાભાર્થી વિસ્તારો સુધી પાણી પહોંચાડવાની સમગ્ર પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી.

નિયમો નેવે મુકી કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાની વધારાની ચૂકવણી
કેગ અહેવાલમાં જલ જીવન મિશનના વિવિધ પ્રોજેક્ટ્સમાં કોન્ટ્રાક્ટરોને ખોટી ગણતરીઓ થકી કરોડો રૂૂપિયાનું વધારાનું વળતર (ઓવરપેમેન્ટ) ચૂકવી દેવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે. ટેન્ડર કરાર મુજબ, માઇલ્ડ સ્ટીલ (MS) અને ડક્ટાઇલ આયર્ન (DI) પાઈપોના ભાવ વધઘટની ગણતરી હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI)ના આધારે કરવાની હોય છે. જોકે, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GWIL) અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB) દ્વારા યોગ્ય બેઝ ઈન્ડેક્સ ધ્યાને લેવાને બદલે અયોગ્ય ઠઙઈં મૂલ્યો લાગુ કરવામાં આવ્યા હતા, જેના પરિણામે કોન્ટ્રાક્ટરોને ₹54.32 કરોડની અધધ વધારાની ચુકવણી કરી દેવામાં આવી હતી. આટલું જ નહીં, કરવેરાની ગણતરીમાં પણ મોટી ગોલમાલ સામે આવી છે. જીએસટીના નિયમો અનુસાર જુલાઈ 2017થી તમામ પ્રકારની પાઈપો પર 18 ટકા જીએસટી લાગુ પડતો હોવા છતાં, GWSSB દ્વારા ભાવ અંદાજ નક્કી કરતી વખતે 18 ટકાના બદલે માત્ર 12 ટકા જીએસટી કાપીને મૂળ વસ્તુના દરો વધારે આંકવામાં આવ્યા હતા. આ અયોગ્ય ગણતરીને પગલે GWILના કામોમાં ₹9.11 કરોડ અને GWSSBના 26 જેટલા કામોમાં ₹9.54 કરોડ મળીને કુલ ₹18.65 કરોડની ગેરવાજબી ચુકવણી કોન્ટ્રાક્ટરોને કરી દેવાઈ હતી. વધુમાં, ગાંધીનગર પ્રભાગમાં ઓછા વજન અને ઓછી ઘનતાવાળા પીવીસી પાઈપો વાપરીને ઊંચા ભાવની ચુકવણી કરવાથી ₹39.04 લાખનું વધારાનું નુકસાન થયું હતું. આમ, અધિકારીઓની ગંભીર લાપરવાહીને કારણે સરકારી તિજોરી પર કરોડો રૂૂપિયાનો અનધિકૃત બોજ લાદવામાં આવ્યો હતો.

100 ટકા કામગીરીના દાવા માત્ર કાગળ પર, પાણીના 24 ટકા નમૂના ફેલ
ગુજરાત સરકારે ઓક્ટોબર 2022 સુધીમાં રાજ્યના તમામ 91.18 લાખ પરિવારોને કાર્યાત્મક નળ જોડાણ (FHTC) આપી દઈને 100 ટકા સિદ્ધિ હાંસલ કરવાનો દાવો કર્યો હતો, પરંતુ કેગ ઓડિટે આ દાવાઓની પોલ ખોલી નાખી છે. અહેવાલ અનુસાર, નમૂના તરીકે ચકાસાયેલા 6 જિલ્લાઓમાંથી 4 જિલ્લામાં જ નવેમ્બર 2024 સુધીમાં 71,842 પરિવારો (14.84 ટકા) નળ જોડાણ વિનાના હતા. વધુમાં, રાજ્યના કુલ 18,024 ગામોને ’હર ઘર જલ’ તરીકે અહેવાલિત કરાયા હોવા છતાં, ઓગસ્ટ 2025 સુધીમાં 16,920 ગામો (93.87 ટકા) જ વાસ્તવિક પ્રમાણીકરણ પ્રાપ્ત કરી શક્યા હતા. ભરૂૂચના આલિયા બેટ જેવા ગામોમાં પાઇપલાઇનના અભાવે ગ્રામજનો ટેન્કરના પાણી પર નિર્ભર રહેવા મજબૂર બન્યા હતા. ગામડાઓમાં કરોડોના ખર્ચે બનેલા ભૂગર્ભ સમ્પ (UGS) અને ઓવરહેડ ટાંકીઓ (ESR) વચ્ચે ઇન્ટર-કનેક્ટિવિટીના અભાવે માળખાગત સુવિધાઓ વર્ષો સુધી બિનઉપયોગી પડી રહી હતી. પીવાના પાણીની ગુણવત્તા તપાસવામાં પણ તંત્ર સાવ નિષ્ફળ સાબિત થયું છે, જેમાં ગાંધીનગર સ્થિત રાજ્ય કક્ષાની મુખ્ય લેબોરેટરીમાં ટેકનિકલ જગ્યાઓ 64.29 ટકા જેટલી ખાલી હોવાનું નોંધાયું છે. ઓડિટ દરમિયાન લેવાયેલા પાણીના નમૂનાઓની ચકાસણીમાં ચોમાસા પૂર્વે 26 ટકા અને ચોમાસા બાદ 24 ટકા નમૂનાઓ પીવા માટે તદ્દન અયોગ્ય જણાયા હતા. આ સમગ્ર આયોજનની દેખરેખ રાખવા માટે જવાબદાર સ્ટેટ વોટર એન્ડ સેનિટેશન મિશન (SWSM)ની એપેક્સ કમિટીની વર્ષ 2020 થી 2024 દરમિયાન એક પણ બેઠક મળી ન હતી, જે દર્શાવે છે કે આ મહત્વકાંક્ષી મિશન વહીવટી સ્તરે સંપૂર્ણપણે ઉપેક્ષિત રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *