વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પોલીસ દમનની તપાસ માટે રચાયેલા કમિશને 8 જુલાઈ 2020ના રોજ પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો હતો, તેમ છતાં સત્તાધીશો દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી.
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન ગુજરાતભરમાં સર્જાયેલી હિંસા અને ખાસ કરીને પાટીદાર સમાજના યુવાનો તથા મહિલાઓ પર પોલીસ દ્વારા ગુજારવામાં આવેલા કથિત અત્યાચારની યાદો આજે પણ લોકોના માનસપટ પરથી ભૂંસાઈ નથી. 25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ’ક્રાંતિ રેલી’માં લાખોની સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા આ આંદોલનમાં રાતના સમયે અચાનક વીજળી ડુલ કરી દેવામાં આવી અને પોલીસ દ્વારા બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે સમગ્ર રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી. આ અમાનવીય ઘટનાઓમાં 14 જેટલા નિર્દોષ યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ સમાજના ભારે આક્રોશ અને દબાણને પગલે, રાજ્ય સરકારે ઓક્ટોબર 2017માં ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ કે. એ. પૂજની અધ્યક્ષતામાં એક તપાસ પંચની રચના કરી હતી. આ પંચનું કાર્ય જીએમડીસી ગ્રાઉન્ડ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં થયેલા પોલીસ દમન તથા સત્તાના દુરુપયોગની ઊંડાણપૂર્વક તપાસ કરવાનું હતું.
ન્યાયતંત્ર અને તપાસ પંચ પર મીટ માંડીને બેઠેલા પાટીદાર સમાજ તેમજ પીડિત પરિવારો માટે સરકારનું વલણ અત્યંત નિરાશાજનક અને સંવેદનહીન રહ્યું છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન આ મામલે એક ચોંકાવનારો સત્તાવાર ખુલાસો થયો છે. વિધાનસભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા દ્વારા પૂછવામાં આવેલા એક ગંભીર પ્રશ્નના ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રી (ગૃહ) એ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે પાટીદાર યુવાનો અને મહિલાઓ પર પોલીસ દ્વારા થયેલા અત્યાચારની તપાસ કરવા રચાયેલ જસ્ટિસ કે. એ. પૂજ કમિશન દ્વારા સરકાર સમક્ષ અહેવાલ સબમિટ કરવામાં આવ્યો છે. સત્તાવાર માહિતી અનુસાર, આ મહત્વપૂર્ણ તપાસ અહેવાલ સરકારને 8 જુલાઈ 2020ના રોજ જ પ્રાપ્ત થઈ ગયો હતો. આમ છતાં, આટલો લાંબો સમય વીતી જવા છતાં સરકારે આ રિપોર્ટની કોઈ જ વિગતો વિધાનસભામાં રજૂ કરી નથી કે સાર્વજનિક કરી નથી.
અહેવાલ સુપરત થયાને આજે છ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ આ બાબતે સરકારની સંપૂર્ણ ઉદાસીનતા તેના પારદર્શિતાના દાવાઓની પોલ ખોલી રહી છે. સરકારે ગૃહમાં સ્પષ્ટ સ્વીકાર્યું છે કે છેલ્લા બે વર્ષમાં આ અહેવાલ સંદર્ભે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. આ સરકારી નિષ્ક્રિયતા પાટીદાર સમાજની લાગણીઓ પર સીધો પ્રહાર સમાન છે.
પોતાના હક્ક માટે લોકશાહી ઢબે લડતા યુવાનો પર થયેલા દમનના કસૂરવારોને સજા અપાવવાને બદલે સરકાર માત્ર અહેવાલ પર કુંડળી મારીને બેઠી છે. પીડિત પરિવારો, જેમણે પોતાના નિર્દોષ જુવાનજોધ દીકરાઓ ગુમાવ્યા છે, તેઓ આજે પણ ન્યાયની આશામાં આંસુ સારી રહ્યા છે. રિપોર્ટ દબાવીને બેઠેલી સરકારની આ કામગીરી લોકોમાં એવી શંકા ઉપજાવી રહી છે કે સત્તાધીશો ક્યાંકને ક્યાંક જવાબદાર ઉચ્ચ પોલીસ અધિકારીઓને અને તેમના રાજકીય આકાઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ન્યાયની આટલી લાંબી પ્રતીક્ષા એ કાયદાના શાસન અને લોકશાહી મૂલ્યો પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે. પીડિતો અને સામાન્ય જનતાના મનમાં આજે એક જ સવાલ ઘૂમરાઈ રહ્યો છે કે શું આ રિપોર્ટ ક્યારેય સૂર્યપ્રકાશ જોશે કે પછી અન્ય અનેક તપાસ પંચોની જેમ સરકારી ફાઈલોમાં જ દબાઈને ઈતિહાસ બની જશે? રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે રાજકીય ઈચ્છાશક્તિ દાખવીને જસ્ટિસ પૂજ પંચનો રિપોર્ટ સાર્વજનિક કરવો જોઈએ અને દોષિત અધિકારીઓ સામે કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ, તો જ પ્રજાનો વ્યવસ્થા પરનો વિશ્વાસ ટકી રહેશે.
દારૂબંધીના કડક અમલના નામે નાના પોલીસ કર્મીઓ પર તવાઇ, ઉચ્ચ અધિકારીઓ સુરક્ષિત
લોકલ ક્રાઈમ બ્રાંચ અને સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ વર્ષ 2024-25માં બનાસકાંઠામાં 361 અને સાબરકાંઠામાં 298 નાના પોલીસકર્મીઓ સામે શિસ્તવિષયક કાર્યવાહી, પરંતુ SP કે DySP સ્તરના એક પણ ઉચ્ચ અધિકારી સામે કોઈ જ પગલાં નહીં.
ગુજરાતમાં દારૂૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે પોલીસ તંત્રની કામગીરી અને તેની આંતરિક શિસ્ત કાર્યવાહી હંમેશા ચર્ચાનો વિષય રહી છે. તાજેતરમાં વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડાઓએ પોલીસ વિભાગમાં પ્રવર્તતા બેવડાં ધોરણોને ઉઘાડા પાડ્યા છે. બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર દારૂૂના વેપાર પર તવાઈ બોલાવવા માટે લોકલ ક્રાઈમ બ્રાંચ (કઈઇ) અને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડાઓ બાદ સેંકડો નાના પોલીસ કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાયા છે, પરંતુ આશ્ચર્યજનક રીતે આ સમગ્ર પ્રકરણમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને સંપૂર્ણપણે ક્લીન ચીટ આપી દેવામાં આવી છે. સત્તાવાર સરકારી દસ્તાવેજમાં રજૂ થયેલા આંકડાઓ મુજબ, 1 ઓગસ્ટ 2024 થી 31 જુલાઈ 2025ના સમયગાળા દરમિયાન દેશી અને વિદેશી દારૂૂના પકડાયેલા જથ્થાના પ્રકરણમાં બનાસકાંઠા જિલ્લામાં કુલ 361 અને સાબરકાંઠા જિલ્લામાં 298 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ નિયમાનુસાર શિસ્તવિષયક કાર્યવાહી કરવામાં આવી છે.
આ આંકડો ત્યારબાદના વર્ષમાં એટલે કે 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2026 દરમિયાન વધુ ચોંકાવનારો રહ્યો છે, જેમાં બનાસકાંઠામાં 623 અને સાબરકાંઠામાં 275 પોલીસકર્મીઓ સામે સમાન કાર્યવાહી થઈ છે. પરંતુ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જ્યારે આટલા મોટા પાયે દારૂૂનું નેટવર્ક ધમધમતું હોય, ત્યારે તેના માટે જવાબદાર માત્ર નીચલા સ્તરના કર્મચારીઓ જ કેવી રીતે હોઈ શકે? સરકારના જ સત્તાવાર જવાબમાં સ્વીકારવામાં આવ્યું છે કે આ દરોડાઓ અને કાર્યવાહીઓ બાદ એક પણ એસ.પી. (SP) કે ડી.વાય.એસ.પી. (DySP) વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં લેવાનો આંકડો ’શૂન્ય’ દર્શાવવામાં આવ્યો છે.
વંદે માતરમ્ વિવાદ મુદ્દે કોંગ્રેસ ખેડાવાલાનો ખુલાશો માંગશે
વિધાનસભા ગૃહમાં વંદે માતરમ ગાનના અપમાનના વિવાદ વચ્ચે કોંગ્રેસે ઇમરાન ખેડાવાલા પાસેથી લેખિત ખુલાસો માંગવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે ઘટનાને ખોટી ગણાવી સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રભક્તિનું સન્માન પક્ષની નીતિનો ભાગ છે. વિધાનસભા ગૃહમાં વંદે માતરમ ગાનના અપમાન મુદ્દે ઉપજેલા વિવાદ પર કોંગ્રેસ પક્ષ દ્વારા મહત્વનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રગાન સમયે કોંગ્રેસના તમામ ધારાસભ્યો સન્માનપૂર્વક ઉભા જ હતા. માત્ર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની અમુક ગેરસમજના કારણે તેઓ બે અંતરા સુધી ઉભા રહ્યા હતા. આ મુદ્દે કોંગ્રેસ પક્ષે કડક વલણ અપનાવીને જણાવ્યું છે કે જે પણ ઘટના બની તે ખોટી થઈ છે અને કોંગ્રેસ પક્ષ ઇમરાન ખેડાવાલા પાસેથી આ મામલે લેખિતમાં સ્પષ્ટ ખુલાસો પૂછશે. ગૃહમાં નિવેદન આપતા કોંગ્રેસે રાષ્ટ્રભક્તિનો પુનરોચ્ચાર કર્યો હતો અને જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવી ભૂલ કે અનિચ્છનીય બનાવ ન બનવો જોઈએ તે વાતનું પક્ષ સંપૂર્ણ સમર્થન કરે છે. કોંગ્રેસ હંમેશાં દેશ અને રાષ્ટ્રગાનનું સન્માન જાળવવામાં અગ્રણી રહી છે.
લઠ્ઠાકાંડ મુદ્દે ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું રાજીનામુ માંગતી કોંગ્રેસ
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના સતત બીજા દિવસે કોંગ્રેસે પોતાનો આક્રમક વિરોધ ચાલુ રાખીને વિધાનસભાની બહાર ભારે ધમાલ મચાવી હતી. મોંઘવારી અને રાજ્યમાં વારંવાર બનતી લઠ્ઠાકાંડની ઘટનાઓ સહિતના સળગતા પ્રશ્નોને લઈને વિપક્ષે શાસક પક્ષ ભાજપ અને ખાસ કરીને રાજ્યના ગૃહ વિભાગને આડે હાથ લીધા હતા. કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓએ એકજૂટ થઈને રાજ્યની કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનનું મુખ્ય કેન્દ્ર લઠ્ઠાકાંડની જીવલેણ ઘટનાઓ રહી હતી. આ ગંભીર મુદ્દે કોંગ્રેસ પક્ષે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે સરકાર સામે મોરચો માંડ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોએ સરકાર વિરુદ્ધ આકરા સૂત્રોચ્ચાર કરતા બેનરો અને પ્લેકાર્ડ્સ પ્રદર્શિત કર્યા હતા. અમિત ચાવડા સહિતના નેતાઓએ પોતાના શરીર પર “લઠ્ઠાકાંડ, હત્યાકાંડ, હપ્તાખોર સરકાર… જવાબદાર કોણ?” લખેલા મોટા એપ્રન (પોસ્ટરો) ધારણ કરીને સરકારની નીતિઓનો સખત વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત, ધારાસભ્યોના હાથમાં રહેલા પ્લેકાર્ડ્સ પર “લઠ્ઠાકાંડ માટે જવાબદાર ગૃહમંત્રી રાજીનામું આપો”, “મોતના સોદા બંધ કરો, દારૂૂ બંધ કરો” અને “રોજગાર… યુવાનોને હક આપો” જેવા આકરા સૂત્રો લખેલા હતા. રાજ્યમાં દારૂૂબંધી માત્ર કાગળ પર હોવાનો દાવો કરતા કોંગ્રેસે જણાવ્યું હતું કે શિક્ષણનું ભારે વેપારીકરણ થઈ ગયું છે અને યુવાનો રોજગાર વિના ભટકી રહ્યા છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ એકજૂટ થઈને ચિમકી આપી હતી કે જનતામાં વ્યાપી રહેલો આ ભારોભાર આક્રોશ આગામી વિધાનસભા ચૂંટણીમાં સત્તા પરિવર્તનનું કારણ બનશે.
