વડાપ્રધાનની 25 વર્ષની જનસેવાની ઉજવણી કરવા 1 મહિનો સેવા કાર્યક્રમોની વણઝાર

ગાંધીનગર સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ પત્રકાર…

ગાંધીનગર સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં જનસેવા અને સમર્પણના 25 વર્ષ આગામી 7 ઓક્ટોબરે પૂર્ણ થવાના અવસરે રાજ્ય અને દેશભરમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર, 2026 સુધી એક મહિના માટે ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વડાપ્રધાનની અવિરત જનસેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણની સાધનાને જન-જન સુધી પહોંચાડીને સેવાભાવને એક વ્યાપક જનઆંદોલન બનાવવાનો છે.

પત્રકારોને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીની આ 25 વર્ષની યાત્રા માત્ર કોઈ એક વ્યક્તિની રાજકીય સફર નથી, પરંતુ એક સામાન્ય કાર્યકર્તાના રાષ્ટ્રસેવાના સંકલ્પની અવિરત સાધના છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનના શાસનની સૌથી મોટી વિશેષતા ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ રહી છે. વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ તેમના નેતૃત્વમાં ગુજરાતે જે રીતે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી હતી, તે આજે સમગ્ર દેશ માટે એક મોડેલ બની ગયું છે. આજે તેમના જ વિઝનરી નેતૃત્વ હેઠળ ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે અને વૈશ્વિક મંચ પર ભારત એક વિશ્વસનીય ‘વિશ્વમિત્ર’ તરીકે પ્રસ્થાપિત થયું છે.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો ચિતાર આપતા જણાવ્યું કે, ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્ર થકી છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવામાં આવ્યો છે.

આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, જનધન યોજના અને ગરીબ કલ્યાણ અન્ન યોજના જેવી ઐતિહાસિક પહેલોના પરિણામે દેશના આશરે 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવામાં સફળતા મળી છે. તેમણે ગૌરવભેર નોંધ્યું હતું કે એક સમયે ‘ફ્રેજાઈલ ફાઈવ’ ગણાતું ભારત આજે સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા બન્યું છે અને વિશ્વના 36 દેશો દ્વારા પ્રધાનમંત્રીને અપાયેલું સર્વોચ્ચ સન્માન વાસ્તવમાં 140 કરોડ ભારતીયોનું સન્માન છે.

આ એક મહિના લાંબા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપતા નેતાઓએ જણાવ્યું કે, 17 સપ્ટેમ્બરે વડાપ્રધાનના જન્મદિવસે ‘સેવા દિવસ’ તરીકે રક્તદાન શિબિરો યોજાશે અને સાંજે દરેક બૂથ પર ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવીને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવશે. આ ઉપરાંત, શાળાઓમાં ‘મારા સપનાનું ભારત’ સ્પર્ધાઓ, ગામડાઓમાં ‘નમો સેવા ગાથા’ની સંગીતમય નાટ્ય પ્રસ્તુતિ અને ‘સેવા સેતુ અભિયાન’ અંતર્ગત સરકાર આપના દ્વારે જેવા જનલક્ષી કાર્યક્રમો યોજાશે. 7 ઓક્ટોબરના રોજ વિશેષ ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ કાઢવામાં આવશે અને સાથે જ વડનગરથી વારાણસી સુધી વિશેષ જળાભિષેક યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ અભિયાન દરમિયાન યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સાંકળીને ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *