નામી હોસ્પિટલોના રૂમના ભાડા રૂપિયા 4500થી 45000 સુધી જ્યારે 4 સ્ટાર હોટેલનું ભાડુ રૂા.9000
ગરીબ અને મધ્યમ વર્ગને સારવાર માટે મિલકતો વેંચવી પડે તેવી સ્થિતિ
સુવિધા અને આધુનિક ટેકનોલોજીના કારણે ખર્ચ વધ્યાનો હોસ્પિટલ સંચાલકોનો બચાવ
ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવી દિવસેને દિવસે સામાન્ય માણસ માટે મોંઘી બની રહી છે. ખાસ કરીને મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારો માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું આર્થિક રીતે મોટો પડકાર બની રહ્યું છે. હવે ખાનગી હોસ્પિટલોના રૂૂમ ચાર્જને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે. સંસદીય સમિતિએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે અને સરકારને ખાનગી હોસ્પિટલોના રૂૂમ ચાર્જ નક્કી કરવા અંગે વિચારણા કરવાની અપીલ કરી છે.
આ સમગ્ર મુદ્દે અમદાવાદ શહેરમાં અલગ-અલગ ખાનગી હોસ્પિટલોના રૂૂમ ચાર્જ અંગે તપાસ કરવામાં આવતા સામે આવેલી વિગતો મુજબ કેટલીક હોસ્પિટલોમાં સ્પેશિયલ અને ડિલક્સ રૂૂમનું એક દિવસનું ભાડું ₹5,000થી લઈને ₹50,000 સુધી પહોંચી ગયું છે. આ ચાર્જ ઘણી વખત 3-સ્ટાર અને 4-સ્ટાર હોટલના એક દિવસના રૂૂમ ભાડા કરતાં પણ વધારે હોવાનું સામે આવ્યું છે.
ખાનગી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવે ત્યારે માત્ર રૂૂમનું ભાડું જ ચૂકવવાનું હોતું નથી. રૂૂમ ચાર્જ ઉપરાંત સારવારનો ખર્ચ, ડોક્ટરની વિઝિટ ફી અને દવાનો ખર્ચ અલગથી થાય છે. એટલું જ નહીં, હોસ્પિટલમાં રૂૂમની કેટેગરી બદલાય ત્યારે ડોક્ટરની વિઝિટ ફી, નર્સિંગ ચાર્જ અને કેટલીક સારવાર અથવા સર્જરી સાથે જોડાયેલા ચાર્જમાં પણ વધારો થઈ શકે છે. પરિણામે મોટી ખાનગી હોસ્પિટલમાં સારવારનો કુલ ખર્ચ દર્દીના પરિવાર માટે ખૂબ જ વધારે બની શકે છે. મધ્યમવર્ગ અને ગરીબ વર્ગના પરિવારો માટે ગંભીર બીમારીના સમયે હોસ્પિટલમાં દાખલ થવું એટલે ઘણી વખત તેમની વર્ષોની બચત ખર્ચાઈ જવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.
અમદાવાદની કેટલીક જાણીતી હોસ્પિટલોના જણાવાયેલા રૂૂમ ચાર્જની વિગતો જોઇએ તો હેલ્થ વન હોસ્પિટલમાં ₹4,500થી ₹10,000, અઇ પ્લસ હોસ્પિટલમાં ₹5,000થી ₹25,000+, સીમ્સ હોસ્પિટલમાં ₹8,000થી ₹25,000 અને અપોલો હોસ્પિટલમાં ₹8,000થી ₹45,000 સુધીના ચાર્જ છે. આ આંકડા દર્શાવે છે કે ખાનગી હોસ્પિટલોમાં રૂૂમની કેટેગરી અને સુવિધા પ્રમાણે એક દિવસના ચાર્જમાં મોટો તફાવત જોવા મળે છે.
અમદાવાદની 3-સ્ટાર અને 4-સ્ટાર હોટલના એક દિવસના રૂૂમ ચાર્જની સરખામણી કરવામાં આવે તો 3-સ્ટાર હોટલમાં ₹2,500થી ₹4,500 અને 4-સ્ટાર હોટલમાં ₹5,000થી ₹9,000 ભાડા છે. આ સરખામણીમાં ખાનગી હોસ્પિટલોના કેટલાક સ્પેશિયલ અને ડિલક્સ રૂૂમના ચાર્જ 3-સ્ટાર અને 4-સ્ટાર હોટલના રૂૂમ રેટ કરતાં પણ વધારે જોવા મળે છે.
હોટલમાં રહેવા માટે વિવિધ લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં કેટલીક સ્થિતિમાં તેનું એક દિવસનું ભાડું હોસ્પિટલના સામાન્ય સ્પેશિયલ અથવા ડિલક્સ રૂૂમ કરતાં ઓછું છે. પરંતુ હોસ્પિટલમાં રૂૂમ માત્ર રહેવાની જગ્યા નથી. રૂૂમની કેટેગરી બદલાતાં ડોક્ટરની વિઝિટ ફી, નર્સિંગ ચાર્જ અને સારવાર અથવા સર્જરી સંબંધિત ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. આ કારણે ખાનગી હોસ્પિટલમાં સારવારનો કુલ ખર્ચ વધુ મોંઘો બની જાય છે.
ખાનગી હોસ્પિટલના વધતા ખર્ચ વચ્ચે ઘણા પરિવારો માટે મેડિકલ ઇન્શ્યોરન્સ એક મહત્વપૂર્ણ સહારો માનવામાં આવે છે. જોકે, હવે વીમા કંપનીઓ દ્વારા પણ પ્રીમિયમના દરોમાં 15%થી 30% સુધીનો વધારો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે.
સૌથી ગંભીર સ્થિતિ એવા પરિવારોની છે જેમની પાસે આયુષ્માન ભારત અથવા અન્ય સરકારી આરોગ્ય કાર્ડ નથી અને વધતા ખર્ચને કારણે તેઓ ખાનગી મેડિકલ ઇન્શ્યોરન્સ પણ લઈ શકતા નથી. આવા મધ્યમવર્ગીય પરિવારમાં કોઈ ગંભીર બીમારી આવે અને લાંબી સારવારની જરૂૂર પડે ત્યારે પરિવારને દેવું કરવું પડે અથવા પોતાની મિલકત વેચવાની ફરજ પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આ મુદ્દે હોસ્પિટલ સંચાલકોનું કહેવું છે કે મોંઘવારીમાં મોટો વધારો થયો છે અને તેની સાથે હોસ્પિટલોમાં આપવામાં આવતી સુવિધાઓ પણ વધી છે, જેના કારણે હોસ્પિટલના ખર્ચમાં વધારો થયો છે.હોસ્પિટલની સફાઈ, આધુનિક સાધનો અને આધુનિક સારવાર પાછળનો ખર્ચ પણ વધ્યો છે. સર્વિસ ટેક્સ, જીએસટી વીજળીનું બિલ સહિત વિવિધ વસ્તુઓના ભાવમાં વધારો થયો હોવાથી આ તમામ વધેલા ખર્ચની અસર રૂૂમ ચાર્જ પર પણ પડે છે.
સરકાર પાસે રૂમ ચાર્જ નક્કી કરવાની માંગ
આ વધતા ખર્ચ વચ્ચે હવે એવી માંગ ઉઠી રહી છે કે સરકારે ખાનગી હોસ્પિટલોના રૂૂમ ચાર્જ અંગે કોઈ નિયમ બનાવવો જોઈએ અને ચાર્જની મર્યાદા નક્કી કરવી જોઈએ. માત્ર રૂૂમ ચાર્જ જ નહીં, પરંતુ ખાનગી હોસ્પિટલોએ રૂૂમના ચાર્જ અને સારવારને લગતી તમામ વિગતો ઓનલાઈન જાહેર કરવી જોઈએ, જેથી દર્દી અને તેના પરિવારને સારવાર શરૂૂ કરાવતા પહેલાં અંદાજિત ખર્ચની જાણકારી મળી શકે. સંસદીય સમિતિએ પણ ખાનગી હોસ્પિટલોના વધતા ચાર્જ અંગે સવાલો ઉઠાવ્યા છે અને આ મુદ્દે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. હવે સરકાર આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.
