લિવ-ઇનમાં રહેતા યુગલના સંબંધ લગ્નસમાન: હાઇકોર્ટ

દિલ્હી હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું છે કે, પોતાની સંમતિથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા પુખ્ત વયના લોકોના સંબંધને લગ્ન સમાન ગણી શકાય છે. માતા-પિતા, સંબંધીઓ અથવા…

દિલ્હી હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું છે કે, પોતાની સંમતિથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા પુખ્ત વયના લોકોના સંબંધને લગ્ન સમાન ગણી શકાય છે. માતા-પિતા, સંબંધીઓ અથવા મિત્રો તેમની પસંદગીમાં દખલ કરી શકે નહીં અને તેમની જિંદગી અથવા સ્વતંત્રતા માટે કોઈપણ પ્રકારનો ખતરો ઊભો કરવાનો અધિકાર કોઈને નથી. પરિવાર તરફથી ધમકીઓનો સામનો કરી રહેલા એક લિવ-ઈન કપલને કોર્ટે પોલીસ સુરક્ષા પણ પૂરી પાડી છે.

ન્યાયધિશ સૌરભ બેનર્જીએ 13 ઓગસ્ટે દંપતી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ આદેશ આપ્યો હતો. અરજીકર્તા દંપતીની ઉંમર 30 વર્ષથી વધુ છે. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ છેલ્લા કેટલાક સમયથી સાથે રહે છે અને એકબીજા સાથે લગ્ન કરવાનો પણ ઈરાદો ધરાવે છે.
કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે યુવતીના પિતા અને ભાઈ આ સંબંધથી ખુશ નહોતા અને બંનેને સતત હિંસાની ધમકીઓ આપી રહ્યા હતા. આ અંગે અરજીકર્તાઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર (SHO)ને ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

કોર્ટે વધુમાં કહ્યું કે, અરજીકર્તાઓ લિવ-ઈન રિલેશનશિપમાં છે અને કાયદેસર રીતે એકબીજા સાથે પરણેલા નથી, પરંતુ બંને પુખ્ત વયના અને સહમતિ ધરાવતા હોવાથી તેમનો સંબંધ લગ્ન સમાન છે. પોતાની સહમતિથી લગ્ન કરનારા પુખ્ત વયના લોકોના લગ્નને જાતિ, સંપ્રદાય, રંગ, ધર્મ અથવા આસ્થાના આધારે માન્યતા આપવાથી વંચિત કરી શકાય નહીં. તેમણે કહ્યું કે બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારોને ‘સામાજિક નૈતિકતા અને પૂર્વગ્રહો’ના આધારે મર્યાદિત કરવા એ વ્યક્તિને તેની સ્વતંત્ર ઓળખથી વંચિત કરવા સમાન છે.

દિલ્હી હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, લગ્ન કર્યા વગર પણ પુખ્ત વયના લોકોને પોતાની ઈચ્છા અનુસાર એકબીજા સાથે રહેવાનો અધિકાર છે. કોર્ટે જણાવ્યું કે કાયદાની નજરમાં હવે આ અધિકારને માન્યતા આપવામાં આવી છે. વિધાનસભાએ પણ ઘરેલુ હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ, 2005 જેવા કાયદાકીય પ્રાવધાનો હેઠળ આવા સંબંધોને માન્યતા આપી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *