ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું છે કે કોઈ ખાનગી દસ્તાવેજ સરકારી કચેરીમાં સંગ્રહાયેલો હોય અને તેને RTI અધિનિયમ હેઠળ મેળવવામાં આવ્યો હોય, તો તે આપોઆપ ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ 74 હેઠળ પબ્લિક ડોક્યુમેન્ટ નથી બની જતો.
ન્યાયમૂર્તિ મૌલિક જે. શેલતની બેન્ચે જણાવ્યું કે, ખાનગી દસ્તાવેજ માત્ર સરકારી ઓફિસમાં સ્ટોર કરવામાં આવ્યો હોય કે ઉપલબ્ધ હોય તો તે આપોઆપ પબ્લિક ડોક્યુમેન્ટ નથી બની જતો. તેને પબ્લિક રેકોર્ડ તરીકે રાખવામાં આવ્યો હોય તો જ તે પબ્લિક ડોક્યુમેન્ટ ગણાય.આ કેસમાં પાર્ટીશનના વિવાદમાં વાદીઓએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) અને બેંક પાસેથી RTI હેઠળ મેળવેલા સર્ટિફાઇડ કોપીઝ ટ્રાયલ કોર્ટમાં રજૂ કર્યા હતા.
પ્રતિવાદીઓએ વાંધો ઉઠાવ્યો હતો કે આ દસ્તાવેજો પબ્લિક ડોક્યુમેન્ટ નથી અને કાયદા મુજબ સાબિત કર્યા વગર તેમને એક્ઝિબિટ કરી શકાય નહીં.હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે RTI હેઠળ મળેલા આવા ખાનગી દસ્તાવેજોની સર્ટિફાઇડ કોપી પણ પબ્લિક ડોક્યુમેન્ટ નથી બની જતી. કુટુંબના પાર્ટીશન એગ્રીમેન્ટ જેવા દસ્તાવેજો પણ માત્ર RTIથી મળી જાય તો પબ્લિક ડોક્યુમેન્ટ ન ગણાય. કોર્ટે ટ્રાયલ કોર્ટનો આદેશ રદ કરીને પ્રતિવાદીઓની અરજી મંજૂર કરી છે. વાદીઓને આ દસ્તાવેજોને કાયદા મુજબ સાબિત કરવાની જરૂૂર પડશે.
