છત્તીસગઢની ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલય (IGKV)એ BSc એગ્રીકલ્ચર સેક્ધડ યરની એગ્રીકલ્ચરલ એન્ટોમોલોજી વિષયની પરીક્ષા રદ કરી દીધી છે. પરીક્ષા પહેલાં વોટ્સએપ પર પ્રશ્નપત્ર ફેલાયાના આરોપ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પરીક્ષા 20 ઓગસ્ટે સવારે 10 વાગ્યે યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોમાં યોજાવાની હતી. યુનિવર્સિટી અધિકારીઓના જણાવ્યા અનુસાર, સવારે આશરે 9 વાગ્યે ડીનના કાર્યાલયમાં એક ઈમેઈલ આવી હતી, જેમાં પેપર લીકની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓના કેટલાક વોટ્સએપ ગ્રુપમાં પ્રશ્નપત્ર ફેલાવા લાગ્યું.
યુનિવર્સિટી અધિકારીએ જણાવ્યું કે વોટ્સએપ પર ફેલાયેલું પેપર સંપૂર્ણપણે મળતું આવતું નહોતું, પરંતુ આશરે 70 ટકા પ્રશ્નો સમાન હોવાનું જણાયું હતું. આથી યુનિવર્સિટીએ પરીક્ષા રદ કરી દીધી છે. યુનિવર્સિટીએ સંલગ્ન કોલેજોને જાણ કરતા જણાવ્યું છે કે વહીવટી કારણોસર પરીક્ષા રદ કરવામાં આવી છે અને તે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં ફરીથી યોજવામાં આવશે. આ મામલે ચાર સભ્યીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિના અહેવાલ બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.
વિદ્યાર્થીઓએ વિરોધ પણ નોંધાવ્યો છે. તેમનો આક્ષેપ છે કે પરીક્ષા પહેલાં લગભગ બે કલાક અગાઉ સોશિયલ મીડિયા પર પેપર આવી ગયું હતું. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી વહીવટને મેમોરેન્ડમ આપીને તપાસની માંગ કરી છે.
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે આ મામલે નોંધ લીધી છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે યુનિવર્સિટી વહીવટે પરીક્ષા રદ કરીને ચાર સભ્યીય તપાસ સમિતિની રચના કરી છે. યુનિવર્સિટી નવી પરીક્ષાની તારીખ અલગથી જાહેર કરશે. તપાસમાં પેપર ખરેખર લીક થયું હતું કે કેમ અને વોટ્સએપ પર ફેલાયેલું પેપર મૂળ પ્રશ્નપત્ર સાથે કેવી રીતે મળતું આવ્યું તેની તપાસ કરવામાં આવશે.
