હાઇકોર્ટ-સુપ્રિમકોર્ટના આદેશ છતા ટીપી સ્કીમ નં.1ના વેરીએશન માટે કોર્પોરેટરોને 12.32 કરોડ માંગતા હાઇકોર્ટ નારાજ, અઠવાડીયામાં વ્યક્તિગત સોગંધનામુ દાખલ નહીં કરે તો આકરા પગલા લેવા આદેશ
રાજકોટની નિર્મળા કોન્વેન્ટ સ્કૂલના રમતગમતના મેદાન અંગેના દાયકાઓ જૂના વિવાદમાં ગુજરાત હાઇકોર્ટે આક્રમક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની બેન્ચે આજે સુનાવણી દરમિયાન ટાઉન પ્લાનિંગ ઓફિસરને ક્ધટેમ્પટની ઝાટકણી કાઢી છે અને એક અઠવાડીયામાં પર્સનલ એફીડેવીટ ફાઇલ કરીને જવાબ માંગ્યો છે. કોર્ટે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જૂના આદેશોનું પાલન ન થવા બાબતે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે.
આ મામલામાં હાઇકોર્ટે વર્ષો પહેલાં ટીપી સ્કીમ નં. 1માં વેરિએશન કરવા સ્પષ્ટ આદેશ આપ્યો હતો, જેથી નિર્મળા કોન્વેન્ટ સ્કૂલનું પ્લે ગ્રાઉન્ડ (ફાઇનલ પ્લોટ નં. 423, 4197 ચોરસ મીટર) જળવાઈ રહે અને મૂળ માલિક ઘુસાભાઈ તાપુભાઈના વારસદારોને વૈકલ્પિક જમીન મળે. જોકે, આદેશોનું પૂરેપૂરું અમલીકરણ ન થતાં કોર્ટે ટાઉન પ્લાનિંગ ઓફિસર સામે આકરી કાર્યવાહી શરૂૂ કરી છે. કોર્ટે પૂછ્યું કે આટલા વર્ષો બાદ પણ આદેશોનું પાલન કેમ ન થયું?
રાજકોટ મહાનગરપાલિકા તરફથી ટીપી સ્કીમમાં વેરિએશન માટે આશરે 12 કરોડ રૂૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનું સામે આવતાં કોર્ટે વેધક સવાલ ઉઠાવ્યા. કોર્ટે પૂછ્યું કે, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશો સામે કઈ કલમ હેઠળ આવી રકમ માંગી શકાય? કોર્ટના આ સવાલો સામે કોર્પોરેશનના વકીલોને સંતોષકારક જવાબ આપવામાં મુશ્કેલી પડી હોવાનું જણાયું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આદેશો પર બેસી રહેવું અને વધારાની શરતો મૂકવી એ સ્વીકાર્ય નથી.
આ વિવાદ 1998થી ચાલી રહ્યો છે. 2016માં સિંગલ જજે આદેશ આપ્યો હતો કે સ્કૂલનું પ્લે ગ્રાઉન્ડ જેમ છે તેમ રહે અને વારસદારોને તેમના કબજાની જમીન મળે. આ આદેશ સુપ્રીમ કોર્ટમાં પણ યથાવત રહ્યો હતો. 2021-22માં હાઇકોર્ટે સેક્શન 71 હેઠળ વેરિએશન કરવા આદેશ આપ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાએ માર્ચ 2022માં ઠરાવ પસાર કરીને પ્રસ્તાવ મોકલ્યો હતો.
30 જુલાઈ 2026ના આદેશમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે ડ્રાફ્ટ ટીપી સ્કીમ (ત્રીજી વેરિએશન) 14 જુલાઈ 2026ના રોજ નોટિફાય થઈ છે અને ટીપી ઓફિસરની નિમણૂક થઈ છે. પ્રિલિમિનરી સ્કીમ માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જોકે, આજે કોર્ટે વિલંબને ગંભીરતાથી લીધો છે. હાઇકોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નિર્મળા કોન્વેન્ટ સ્કૂલના હજારો વિદ્યાર્થીનીઓના રમતગમતના મેદાનનો પ્રશ્ન અને મૂળ માલિકોનો ન્યાય વહેલી તકે હલ થવો જોઈએ.
