DCP નકુમની તરફેણમાં હાઇકોર્ટ જજને ઓછા ટકા વાળા કહ્યા બાદ ભાજપ નેતાનો યુ-ટર્ન

  ગુજરાત ભાજપના પ્રદેશ બુથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતીએ સુરતના DCP રાજદીપસિંહ નકુમના કેસમાં હાઈકોર્ટના જજ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ હવે યુ-ટર્ન લીધો…

 

ગુજરાત ભાજપના પ્રદેશ બુથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતીએ સુરતના DCP રાજદીપસિંહ નકુમના કેસમાં હાઈકોર્ટના જજ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ હવે યુ-ટર્ન લીધો છે. અગાઉ ફેસબુક પર જજ સામે સીધું નિશાન સાધીને લખેલી પોસ્ટ હવે તેમણે સ્પષ્ટતા સાથે બચાવ કરી છે અને પોસ્ટ પણ દૂર કરી દીધી છે.

14 ઓગસ્ટ 2026ની રાત્રે મુકેશ ગુજરાતીએ ફેસબુક પર બે પોસ્ટ કરી હતી. એકમાં તેમણે લખ્યું હતું કે, જજને જેહાદીઓને માર્યા તેમાં બળતરા આવી છે. સિમી ગેંગના આતંકના વીડિયો બાડાએ નહીં જોયા હોય? એક વાર તે ઓછા ટકાવાળો જજ નકુમ સાહેબની અડફેટે ચડે તો ખબર પડે. બીજી પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, DCP નકુમ જેવા અધિકારીઓના હાથ બાંધી જજ શું ક્રાઈમ વધારવા માંગે છે? જજને વહીવટનો કીડો હોય તો એકવાર ચૂંટણી મેદાનમાં આવે. જનતા શું ઇચ્છે છે તે ખબર પડી જશે.

આ પોસ્ટો વાયરલ થતાં જ રાજકીય અને કાનૂની વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. ન્યાયતંત્રની ગરિમા પર પ્રહાર ગણાતા આ નિવેદનોને લઈને ભાજપ પર પણ સવાલ ઊઠ્યા હતા. વિવાદ વકરતા જ મુકેશ ગુજરાતીએ પોતાની ફેસબુક પોસ્ટ્સ દૂર કરી દીધી હતી. ત્યારબાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી કે આ લખાણ તેમણે પોતાના એક અંગત મિત્ર માટે લખ્યું હતું, જેમને તેઓ ‘જજ’ તરીકે સંબોધે છે.

તેમણે કહ્યું કે SIMI જેવા આતંકવાદી કેસના વીડિયો ન જોયા હોય એમ લાગે છે અને જો IPS અધિકારી સારી કામગીરી કરી રહ્યા હોય તો આવું શા માટે થાય છે. આમ અગાઉ જજ સામે સીધું નિશાન સાધનારા મુકેશ ગુજરાતીએ હવે આ મામલે પીછેહઠ કરીને અંગત મિત્રનો ઉલ્લેખ કરીને પોતાનું વલણ બદલ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *