ફિટનેસ વગર 10 વર્ષ સુધી બસ દોડાવી, 1.30 કરોડનો વેરો વસૂલવા હાઇકોર્ટનો હુકમ

દિવ આરટીઓમાં નોંધાયેલી બસને નિયમો વિરુદ્ધ સ્લીપર કોચમાં રૂૂપાંતરિત કરી વર્ષો સુધી ટેક્સ અને ફિટનેસ વિના ગુજરાતના રસ્તાઓ પર દોડાવવાના મામલે બસમાલિકને ગુજરાત હાઈકોર્ટે મોટો…

દિવ આરટીઓમાં નોંધાયેલી બસને નિયમો વિરુદ્ધ સ્લીપર કોચમાં રૂૂપાંતરિત કરી વર્ષો સુધી ટેક્સ અને ફિટનેસ વિના ગુજરાતના રસ્તાઓ પર દોડાવવાના મામલે બસમાલિકને ગુજરાત હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે સુરત આરટીઓ દ્વારા આકારવામાં આવેલા રૂૂ.1.30 કરોડથી વધુના વાહનવેરાની વસૂલાતને કાયદેસર ઠેરવી બસમાલિકની અરજી ફગાવી દીધી છે.

મામલાની વિગતો મુજબ દિવ આરટીઓમાં DD-02-9061નંબરથી નોંધાયેલી બસ મૂળ 40+1 સીટિંગ ક્ષમતાની હતી. જોકે, બસમાલિકે જરૂૂરી સરકારી મંજૂરી લીધા વિના બસમાં ફેરફાર કરી તેને 38 બર્થવાળી સ્લીપર બસ બનાવી દીધી હતી. વધુમાં બસનું ફિટનેસ સર્ટિફિકેટ વર્ષ 2013માં પૂર્ણ થઈ ગયું હોવા છતાં 2013થી 2023 દરમિયાન વાહનવેરો ભર્યા વિના બસ ગુજરાતના વિવિધ માર્ગો પર દોડાવવામાં આવતી હોવાનો આરટીઓનો આક્ષેપ હતો.

સપ્ટેમ્બર 2023માં સુરત ખાતે આરટીઓના અધિકારીઓ ટી.બી. બારિયા, એસ.આર. બોદર અને કે.બી. પટેલે બસને અટકાવી તપાસ કરતાં અનેક ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. તપાસ દરમિયાન બસના ચેસીસ પર અશોક લેલેન્ડનો માર્ક અને ચેસીસ નંબર કથિત રીતે બોગસ રીતે પંચ કરાયેલા હોવાનું સામે આવ્યું હતું, જ્યારે વાહનના નોંધણી રેકોર્ડમાં ઈશર કંપની દર્શાવવામાં આવી હતી.

આ ગેરરીતિઓ બાદ આરટીઓ દ્વારા શરૂૂઆતમાં રૂૂ.53.20 લાખનો ટેક્સ આકારવામાં આવ્યો હતો. ત્યારબાદ નોટિસ સહિતની કાર્યવાહી બાદ આ રકમ વધીને રૂૂ.1,30,54,235 થઈ હતી. આરટીઓની આ કાર્યવાહી સામે બસમાલિકે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.

બસમાલિક તરફથી દલીલ કરવામાં આવી હતી કે બસ સતત ગુજરાતમાં દોડતી ન હોવાથી ગુજરાતનો વાહનવેરો વસૂલ કરી શકાય નહીં. જોકે, હાઈકોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી. જસ્ટિસ એ.એસ. સુપેહિયા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે નોંધ્યું કે વાહનમાં ચેસીસ, એન્જિન નંબર તથા ઉત્પાદક કંપની અંગે ગંભીર ગેરરીતિઓ સામે આવી હોય ત્યારે પુરાવાનો સમગ્ર બોજ સરકાર પર મૂકી શકાય નહીં.

હાઈકોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું કે ગુજરાત મોટર વાહન ટેક્સ કાયદાની કલમ 3(2) મુજબ વાહન ’નોન-યુઝ’માં હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવામાં ન આવે તો વાહન ગુજરાતમાં વપરાયું હોવાનું કાયદાકીય અનુમાન લાગુ પડે છે.
કોર્ટએ અગાઉના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો પણ સંદર્ભ આપતાં ગેરકાયદે રીતે વાહનમાં ફેરફાર, ફિટનેસ વિના વાહન ચલાવવું અને વાહનવેરાની ચુકવણી ન કરવી જેવી ગંભીર ગેરરીતિઓમાં રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે હાઈકોર્ટે બસમાલિકની અરજી ફગાવી સુરત આરટીઓનો રૂૂ.1.30 કરોડથી વધુનો ટેક્સ વસૂલવાનો આદેશ યથાવત રાખ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *