ભારત છોડો આંદોલન દિવસ : 1942ની ક્રાંતિ અને 2026નો સંકલ્પ

આજે આપણે સ્વતંત્ર પણ છીએ તેમજ તિરંગો પણ આપણા હાથમાં છે. મત આપવાનો પૂરતો અધિકાર છે તેમજ શિક્ષણની અનેક નવીનતમ તકો પણ છે. ઉપરાંત આપણાં…

આજે આપણે સ્વતંત્ર પણ છીએ તેમજ તિરંગો પણ આપણા હાથમાં છે. મત આપવાનો પૂરતો અધિકાર છે તેમજ શિક્ષણની અનેક નવીનતમ તકો પણ છે. ઉપરાંત આપણાં સપનાઓને સાકાર કરવાની પૂરી આઝાદી પણ છે. આમ છતાં એક પ્રશ્ન આપણે આપણી જ જાતને પૂછવો જોઈએ કે, શું આપણે માત્ર અંગ્રેજોની ગુલામીમાંથી જ મુક્ત થયા છીએ કે આજે પણ અનેક નવી ગુલામીઓમાં જીવીએ છીએ?

આજે યુવાનો સામે પડકારો બદલાઈ ગયા છે. હવે લડાઈ વિદેશી શાસકો સામે નથી, પરંતુ ભ્રષ્ટાચાર, વ્યસન, અંધશ્રદ્ધા, પર્યાવરણના વિનાશ, સામાજિક અસમાનતા, ખોટી માહિતી, જાહેર જગ્યાઓ પર વધતી હિંસાઓ, તેમજ જવાબદારીના અભાવ સામે સામાન્ય નાગરિક અને દેશનાં યુવાનો આજે લડાઈ લડી રહ્યા છે. આજે જો જાગૃત યુવાનો આ બધી બાબતો સામે અવાજ ઉઠાવશે, તો તે પણ એક નવા યુગનું “ભારત છોડો આંદોલન” બની શકે છે.

ભારત આઝાદ થયો એ પહેલાં 1942માં મહાત્મા ગાંધીજીએ “કરો યા મરો”નો મંત્ર આપ્યો હતો. ત્યારે લાખો ભારતીયોએ પોતાના સુખ, સંપત્તિ અને જીવન કરતા દેશને વધુ મહત્વ આપ્યું હતું. તે નવયુવાનોના મનમાં એક જ સ્વપ્ન હતું સ્વતંત્ર ભારત. 8 ઓગસ્ટના દિવસે મુંબઈના ગોવાલિયા ટેન્ક મેદાનમાં ભારત છોડો ઠરાવ પસાર કર્યો, તેમજ 9 ઓગસ્ટનાં આંદોલનની સત્તાવાર શરૂૂઆત થઈ. એ જ દિવસે ગાંધીજી સહિત અનેક મોટા નેતાઓની ધરપકડ થઈ અને સમગ્ર દેશમાં જનઆંદોલન ફેલાયું તેથી ભારત સરકાર ઐતિહાસિક રીતે 9 ઓગસ્ટને “”Quit India Movement Day’”તરીકે ઉજવે છે.

1942નાં યુવાનો પાસે આધુનિક સાધનો નહોતા, છતાં તેઓ અતિ હિંમતવાન હતાં. આજે આપણી પાસે શિક્ષણ, ટેક્નોલોજી, સોશિયલ મીડિયા ઉપરાંત અસંખ્ય તકો છે. અહીં પ્રશ્ન સાધનોનો નથી, પણ સંકલ્પનો છે. જો યુવાનો પોતાના જીવનમાં શિસ્ત, મહેનત અને ઈમાનદારીને સ્થાન આપશે તો દેશના વિકાસની ગતિ અનેકગણી વધી શકે છે. આ માટે બાળકને જન્મથી અનેક સુવિધાઓ વચ્ચે માયકાંગલા નહીં પણ ટાઢ, તડકો આપીને તંદુરસ્ત અને હિંમત કે સાહસથી ભરેલા શહીદો અને જવાનોની વાર્તાઓ દ્વારા બાળકોમાં પણ હિંમત અને ઉત્સાહ લાવીએ.

દેશપ્રેમનો અર્થ માત્ર ને માત્ર રાષ્ટ્રગીત વખતે ઊભાં રહેવામાં નહીં, પરંતુ સાચો દેશપ્રેમ તેને કહેવાય, જે કર ચૂકવે, બધા જ નિયમોનું પાલન કરે, બીજા લોકોના અધિકારોને માન આપે, પોતાના કામમાં પૂરતી ઈમાનદારી દાખવે, દેશનું હિત હંમેશા પ્રથમ હરોળમાં જ રાખે. રાષ્ટ્રનું નિર્માણ સરહદ પર ઉભેલા સૈનિકો જેટલું જ વર્ગખંડમાં ભણાવતા શિક્ષકો, ખેતરમાં મહેનત કરતાં ખેડૂતો, પ્રયોગશાળામાં સંશોધન કરતાં વૈજ્ઞાનિકો અને પોતાના કામને નિષ્ઠાપૂર્વક કરતા સામાન્ય નાગરિકો પણ કરે છે. આ દરેકે યાદ રાખવું જરૂૂરી છે. કોઈ એકથી દેશની સુરક્ષા અસંભવ છે. દેશની સુરક્ષા અને તેની ગરિમા જળવાય તે માટે દરેક નાગરિકની નૈતિક ફરજ છે કે પોતે બનતી કોશિશ કરે કે કાયદાઓનો ભંગ ના કરે.

સૈનિકો દેશને દુશ્મનોથી બચાવવા ભારતની દરેક બોર્ડર પર પોતાના પ્રાણની પણ પરવા કરતા નથી અને દેશને હર હાલમાં બચાવવા દિવસ રાત ખડેપગે ઊભાં રહેતા હોય છે. વાસ્તવમાં ભારત આમ જનતા દ્વારા જ ચૂંટાયેલા નેતાઓના લીધે સુરક્ષિત નથી. ચારેકોર ભ્રષ્ટાચાર વ્યાપી રહ્યો છે. દરેક નેતાઓના ખિસ્સાઓ વજનદાર થતા જાય છે. મોટા મોટા અધિકારીઓ ખુલ્લેઆમ છતાં બંધબારણે ચોરી કરે છે. ના કોઈ સજા કે ના કોઈ ખાસ તેના માટે જોગવાઈઓ છે. કારણકે ખિસ્સાઓ ભરેલા છે. દેશને બરબાદ કરનાર દુશ્મનો અંદર જ છે. સરકાર આવશે ને જશે પણ આ ભ્રષ્ટાચાર ક્યારેય ખત્મ નહીં થાય.

અંતમાં, 1942ના યુવાનોએ અંગ્રેજોને કહ્યું હતું ભારત છોડો. આજે 2026માં યુવાનોએ કહેવું જોઈએ ભ્રષ્ટાચાર ભારત છોડો, વ્યસન ભારત છોડો, મહિલાઓ પ્રત્યેનો અનાદર ભારત છોડો અને બેઈમાની ભારત છોડો. આ જ આજના યુગનું સાચું ભારત છોડો આંદોલન બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *