ગુજરાતમાં 9થી 17 ઓગસ્ટ ગુંજશે ‘હર ઘર તિરંગા’નો નાદ

ગુજરાતમાં આ વર્ષે પણ તા. 9 થી 17 ઓગસ્ટ દરમિયાન રાજ્યવ્યાપી રાષ્ટ્રભક્તિના વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગેની…

ગુજરાતમાં આ વર્ષે પણ તા. 9 થી 17 ઓગસ્ટ દરમિયાન રાજ્યવ્યાપી રાષ્ટ્રભક્તિના વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આઝાદીનું આ પર્વ બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ નાગરિકોમાં દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવશે.
આ ઉજવણીના ભાગરૂૂપે રાજ્યભરમાં અનેકવિધ કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે, પરંતુ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર ગાંધીનગર બનશે. તા. 10 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રીમંડળના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની ભવ્ય ’તિરંગા યાત્રા’ અને ’તિરંગા કોન્સર્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર ઉપરાંત રાજ્યના અન્ય મુખ્ય શહેરોમાં 11 ઓગસ્ટે અમદાવાદ, 12 ઓગસ્ટે રાજકોટ અને 14 ઓગસ્ટે વડોદરામાં પણ તિરંગા યાત્રાના આયોજનો કરવામાં આવ્યા છે. આ મહાનગરોમાં લાખો યુવાનો અને નાગરિકો હાથમાં તિરંગો લઈને દેશભક્તિના રંગમાં રંગાશે.

આ વખતે ગુજરાતમાં ’હર ઘર તિરંગા’ અભિયાન માત્ર મોટા શહેરો સુધી સીમિત નહીં રહે, પરંતુ ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા પંચાયત વિસ્તારો અને નાનકડા ગામડાંઓ સુધી પહોંચશે. નાયબ મુખ્યમંત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં તમામ જિલ્લા કલેક્ટરો, પોલીસ કમિશનરો, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા 1200થી વધુ તિરંગા યાત્રાઓ યોજવા માટેની મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે. રાજ્યના તમામ તાલુકાઓ, ગામડાઓ, નવી બનેલી મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓમાં પણ સ્થાનિક કક્ષાએ ઉત્સાહભેર કાર્યક્રમો યોજાશે. રાજ્યભરમાં 70 લાખથી પણ વધુ ઘરો પર સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે. જ્યારે વાત રાષ્ટ્રહિતની હોય ત્યારે સમગ્ર ગુજરાત એક તાંતણે બંધાઈ જાય છે. આ રાષ્ટ્રીય પર્વમાં માત્ર સરકારી મશીનરી જ નહીં, પરંતુ સામાજિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, શાળા-કોલેજો, સેવાકીય મંડળો અને ધાર્મિક સંસ્થાઓ પણ ખૂબ જ ઉત્સાહભેર જોડાઈ છે.

આ યાત્રાઓનો મુખ્ય હેતુ દેશની સરહદો પર રાત-દિવસ આપણી સુરક્ષા કરતા વીર જવાનો, તેમના પરિવારો અને દેશ માટે શહાદત વહોરનારા અમર શહીદો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે. યુવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ મહાઅભિયાનમાં સહભાગી બનીને દેશભક્તિની મિસાલ કાયમ કરશે.

14મી ઓગસ્ટે તમામ જિલ્લામાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 14 ઓગસ્ટના રોજ સવારે રાજ્યના તમામ જિલ્લા મથકો પર ’વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’નો ખાસ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે વિભાજનની દુ:ખદ ઘટનાઓમાં જીવ ગુમાવનારા અને વિસ્થાપિત થયેલા લાખો લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. ’હર ઘર તિરંગા’ એ માત્ર એક સરકારી કાર્યક્રમ નથી, પણ દરેક ભારતીયનો પોતાનો ઉત્સવ છે. પોતાના ઘર, દુકાન કે ઓફિસ પર તિરંગો લહેરાવીને આપણે પણ આ દેશભક્તિના યજ્ઞમાં આહુતિ આપી શકીએ છીએ. ચાલો, આ ઓગસ્ટ મહિનામાં 9 થી 17 તારીખ દરમિયાન આયોજિત તમામ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લઈએ અને આપણા દેશની અખંડિતતા અને એકતાનો સંદેશ વિશ્વભરમાં પહોંચાડીએ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *