સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છત્રીયાળા ગામના મૂળ રહીશ અને હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા તથા ટાટા ટાઉનશીપના જુના ફ્લેટ નંબર 307 માં રહેતા જયદેવભાઈ ઘનશ્યામભાઈ અણિયાળીયા નામના 30 વર્ષના યુવાને મંગળવાર તા. 4 ના રોજ રાત્રિના સમયે તેમના ફ્લેટમાં કોઈ અગમ્ય કારણોસર બારીના સળિયામાં કપડાં વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ પંકજભાઈ ઘનશ્યામભાઈ (ઉ.વ. 28) એ મીઠાપુર પોલીસને કરી છે. પોલીસ કર્મીના આપઘાતના આ બનાવે પોલીસ બેડામાં શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.
યુવાન ઉપર ખૂની હુમલો
ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે રહેતા મસરીભાઈ ખીમાભાઈ ચાવડા નામના 34 વર્ષના યુવાન તેમના દાદીમાંના ભાગે આવેલા 13 વિઘાના ખેતરમાં વાવેતર કામ કરી રહ્યા હતા. ત્યારે તેમના કાકા – મોટાબાપુના ભાઈઓ એવા રણમલ મેરામણ ચાવડા, પરબત મેરામણ ચાવડા, પીઠા મેરામણ ચાવડા, નથુ મેરામણ ચાવડા મુરૂૂ મેરામણ ચાવડા, ભીમશી રણમલ ચાવડા તથા ભરત નામના સાત શખ્સોએ એકસંપ કરી, ગેરકાયદેસર રીતે મંડળી રચી, જીવલેણ હથિયારો સાથે આ સ્થળે ધસી આવ્યા હતા અને ફરિયાદી મસરીભાઈ તથા તેમની સાથે સાહેદ નીતિનભાઈ, કરસનભાઈ, અરજણભાઈ વિગેરે ઉપર કુહાડા, કોદારી, લાકડાના ધોકા વિગેરે વડે હુમલો કરી, ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી.
ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતો શખ્સ ઝબ્બે
ખંભાળિયા તાલુકાના વચલાબારા ગામે રહેતા અને મૂળ વેસ્ટ બંગાળ રાજ્યના નદીયા થાના તાબેના બેટાઈ વિસ્તારના રહીશ એવા રામચંદ્ર દશરથ બીશ્વાસ નામના 53 વર્ષના શખ્સને સ્થાનિક પોલીસે માન્યતા પ્રાપ્ત ડિગ્રી ન હોવા છતાં પણ દર્દીઓને સારવાર આપતા ઝડપી લીધો હતો. આરોપી દ્વારા પોતે ડોક્ટર હોવાનું જણાવી રહેણાંક મકાનમાં રોની નામથી દવાખાનુ ખોલી અને તબીબી પ્રેક્ટિસ કરતા પોલીસે તેને ઝડપી લઈ, અહીંથી વિવિધ પ્રકારની દવાઓ, સ્ટેથોસ્કોપ સહિતના મેડિકલ પ્રેક્ટિસના રૂૂ. 84,603 ની કિંમતના સાધનો કબજે કર્યા છે.
