દેશમાં થર્ડ-પાર્ટી વીમા વગર રસ્તા પર દોડતા વાહનો સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. અદાલતે કેન્દ્ર સરકારને એક પાઈલટ પ્રોજેક્ટ શરૂૂ કરવાનો નિર્દેશ આપ્યો છે, જે હેઠળ જે વાહનો પાસે વૈધ થર્ડ-પાર્ટી વીમો નહીં હોય, તેમને પેટ્રોલ પંપ પર ઈંધણ આપવામાં નહીં આવે.
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે નોંધ્યું હતું કે, દેશમાં મોટી સંખ્યામાં વાહનો વીમા વિના ચાલી રહ્યા છે, જેના કારણે સડક અકસ્માતનો ભોગ બનનારા લોકોને સમયસર વળતર મળતું નથી. સુપ્રીમ કોર્ટે વીમા નિયામક IRDAI અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને સાથે મળીને એક એવી સિસ્ટમ તૈયાર કરવા કહ્યું છે, જેમાં વાહનના વીમાની સ્થિતિ ચકાસ્યા બાદ જ ઈંધણ આપવામાં આવે. આ માટે ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નિશન (ANPR) કેમેરાનો ઉપયોગ કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે.
અદાલતના જણાવ્યા અનુસાર, જો વીમા વગરના વાહનોને પેટ્રોલ પંપ પર ઈંધણ નહીં મળે તો આવા વાહનોની ઓળખ સરળ બનશે અને વાહન માલિકો પણ સમયસર વીમો લેવા માટે પ્રેરાશે. આ પ્રસ્તાવ સામે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પણ કોઈ વાંધો ઉઠાવ્યો નથી.
સુપ્રીમ કોર્ટે 2018ના તેના જૂના આદેશનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં નવી કાર માટે 3 વર્ષ અને નવા દ્વિચક્રી વાહનો માટે 5 વર્ષનો થર્ડ-પાર્ટી વીમો ખરીદવો ફરજિયાત કરવામાં આવ્યો હતો. હવે અદાલતે આ સમયગાળો વધારવાનો નિર્દેશ આપ્યો છે. નવા આદેશ મુજબ હવે નવી કાર માટે 4 વર્ષ અને નવા દ્વિચક્રી વાહનો માટે 6 વર્ષનો થર્ડ-પાર્ટી વીમો લેવો ફરજિયાત રહેશે. આ સિવાય રાજ્ય પોલીસને એવા મોબાઈલ ડિવાઈસ કે એપ આપવા સૂચના અપાઈ છે, જેનાથી સ્થળ પર જ વીમાની ચકાસણી કરીને ઈ-ચલાન કાપી શકાય.
વીમા વગરના વાહનોને ઓટોમેટિક ઈ-ચલાન
નેશનલ હાઈવે પર અકસ્માતો અને ટોલ પ્લાઝા પર લાગતી લાંબી લાઈનોની સમસ્યાને ધ્યાનમાં રાખીને અદાલતે કારને રોક્યા વિના ઓટોમેટિક સિસ્ટમથી ઓળખ કરીને ટેક્સ વસૂલવા માટે પાઈલટ પ્રોજેક્ટ શરૂૂ કરવા કહ્યું છે. આ ઉપરાંત ANPR કેમેરાને ઈન્સ્યોરન્સ ઈન્ફોર્મેશન બ્યુરો અને વાહન પોર્ટલના ડેટા સાથે જોડીને વીમા વગરના વાહનો પર ઓટોમેટિક ઈ-ચલાન ઈશ્યૂ કરવાની વ્યવસ્થા કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ફરજિયાત વીમાનો હેતુ માત્ર કાનૂની ઔપચારિકતા પૂરી કરવાનો નથી, પરંતુ અકસ્માત પીડિતો અને તેમના પરિવારોને સમયસર યોગ્ય વળતર અપાવવાનો છે.
દેશમાં 56% વાહનો વીમા વગરના
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સંસદની નાણાં સંબંધિત સ્થાયી સમિતિના 2024-25ના રિપોર્ટનો હવાલો આપ્યો છે. આ અહેવાલ મુજબ દેશમાં કુલ નોંધાયેલા 30.48 કરોડ વાહનોમાંથી લગભગ 56% એટલે કે આશરે 16.54 કરોડ વાહનો વીમા વગર ચાલી રહ્યા છે. મોટર વાહન અધિનિયમની કલમ 146 હેઠળ દરેક વાહન માટે થર્ડ-પાર્ટી વીમો ફરજિયાત છે, પરંતુ તેનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું નથી.
