સમગ્ર ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પાછલા 24 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 73.4 મીમી (લગભગ 3 ઇંચ) વરસાદ નોંધાયો છે. આ સાથે જ જિલ્લાનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 415.3 મીમી પર પહોંચ્યો છે. બીજી તરફ સતત વરસાદના કારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુંજી ડેમ ત્રીજી વખત છલકાઇ જતા દરવાજા ખોલવામાં આવ્યા છે.
ભાવનગર જિલ્લાના તમામ 10 તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી. 24 કલાકના સમયગાળામાં સૌથી વધુ વરસાદ પાલિતાણા તાલુકામાં 100 મીમી (4 ઇંચ) નોંધાયો હતો. આ ઉપરાંત ભાવનગર તાલુકામાં 86 મીમી, મહુવામાં 83 મીમી, સિહોરમાં 82 મીમી, વલ્લભીપુરમાં 79 મીમી, અને ઉમરાળામાં 72 મીમી વરસાદ વરસ્યો છે. અન્ય તાલુકાઓની વાત કરીએ તો ઘોઘામાં 65 મીમી, ગારીયાધારમાં 60 મીમી, જેસરમાં 54 મીમી અને તળાજામાં 53 મીમી વરસાદ નોંધાયો હતો.
મોડી રાત્રે 2:00 થી 4:00 વાગ્યાના સમયગાળા દરમિયાન વરસાદનું જોર સૌથી વધુ જોવા મળ્યું હતું, જે બે કલાકમાં જિલ્લામાં સરેરાશ 11.6 મીમી વરસાદ નોંધાયો હતો. મોસમનના કુલ વરસાદની દ્રષ્ટિએ મહુવા તાલુકો 573 મીમી સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાને છે, જ્યારે ભાવનગરમાં 465 મીમી, સિહોરમાં 458 મીમી, ઘોઘામાં 421 મીમી અને વલ્લભીપુરમાં 417 મીમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સાર્વત્રિક વરસાદને કારણે જિલ્લાના નદી-નાળા અને જળાશયોમાં નવા પાણીની આવક થતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આજે પણ ભારે વરસાદની આગાહી હોય તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે. આજે સતત બીજા દિવસે પણ ભાવનગર શહેર અને જિલ્લાની શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે. આજે સવારે ઝરમર ઝરમર વરસાદ શરૂ રહ્યો છે. હજુ પણ ભારે વરસાદની આગાહી હોય જિલ્લામાં વરસાદ પડવાની પુરી સંભાવના છે.
PGVCLની વધારાની 65 ટીમો તૈનાત
ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદ પાડવાની સંભાવનાથી તકેદારીના ભાગરૂપે ભાવનગર PGVCL સર્કલ દ્વારા આગોતરું આયોજન કરાયું છે. જેમાં ભાવનગર સર્કલ નીચેના 33 સબ ડિવિઝનમાં એચ.ટી. સબ ડિવિઝન સિવાયના સબ ડિવિઝનોમાં બે-બે ટીમો સાથે વધારાની કુલ 65 ટીમો તૈનાત કરવામાં આવી છે.
