કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દેશમાં ઇથેનોલ, ફ્લેક્સ-ફ્યુઅલ અને વૈકલ્પિક ઇંધણના સૌથી મોટા સમર્થક રહ્યા છે. તેમણે અનેક મંચો પરથી ઇથેનોલ ઇંધણની હિમાયત કરી છે અને તાજેતરમાં જ કહ્યું હતું કે તેમણે રાત્રે 8 વાગ્યે ઇ100 (100% ઇથેનોલ) ફ્યુઅલ સાથે જોડાયેલી ફાઇલ પર સાઇન કરી છે. જોકે, બોમ્બે હાઇકોર્ટમાં રજૂ કરેલી 86 પાનાની અરજીમાં તેમના પક્ષે જણાવાયું કે “ઇ20 કે ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ (EBP) સાથે તેમને કશી લેવાદેવા નથી”. આ બંને નિવેદનોના કારણે ભારે વિવાદ અને અસમંજસ ઊભી થઈ છે.
સોશિયલ મીડિયા પર ફેક અને AI-જનરેટેડ વીડિયો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો હતો કે નીતિન ગડકરી અને તેમના પરિવારને ઇ20 નીતિથી આર્થિક લાભ થઈ રહ્યો છે. આ બદનક્ષી સામે ગડકરીએ મેટા, એક્સ, ગૂગલ, યૂટ્યૂબ સહિતના પ્લેટફોર્મ સામે બોમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી રૂૂ. 11 કરોડના વળતરની માંગ કરી છે. અરજીમાં તેમણે સ્પષ્ટ કર્યું કે ઇ20 નીતિ બનાવવામાં કે લાગુ કરવામાં તેમની કોઈ વહીવટી ભૂમિકા નથી અને તે તેમના મંત્રાલય હેઠળ આવતી નથી.
પેટ્રોલિયમ અને નૈસર્ગિક ગેસ મંત્રાલય (MoPNG): ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ (EBP) નું નોડલ મંત્રાલય પેટ્રોલિયમ મંત્રાલય છે. પેટ્રોલમાં કેટલા ટકા ઇથેનોલ મિક્સ કરવું (જેમ કે E10, E20) અને તેની ખરીદી કેવી રીતે કરવી તે નક્કી કરવાનો નીતિગત અધિકાર આ જ મંત્રાલય પાસે છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય: નીતિન ગડકરીના મંત્રાલયનું કામ ઇંધણનું બ્લેન્ડિંગ નક્કી કરવાનું નથી, પરંતુ તે ઇંધણ પર ચાલતા વાહનો માટે ટેકનિકલ નિયમો (CMVR) બનાવવાનું અને વાહન ઉત્પાદકોને મંજૂરી આપવાનું છે.
આમ, ગડકરીનું કોર્ટમાં આપેલું નિવેદન વહીવટી દ્રષ્ટિએ સાચું છે કે ઇ20 નીતિ પેટ્રોલિયમ મંત્રાલયની છે, જ્યારે ફાઇલ સાઇન કરવાનો દાવો વાહનોના ટેકનિકલ નિયમોને મંજૂરી આપવા સાથે જોડાયેલો છે.
