અમિત શાહ, રાજનાથ સિંહ, જયશંકર, અજિત ડોભાલ, નિર્મલા સીતારમણ, નડ્ડા, હરદીપસિંહ પુરી સહિતના સીનિયર મંત્રીઓ સાથે સંસદ ભવનમાં હાઇલેવલ મીટિંગ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે સંસદ ભવનમાં આવેલા તેમના કાર્યાલયમાં એક મહત્વની અને અચાનક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકારના કેટલાક સૌથી વરિષ્ઠ અને પ્રભાવશાળી મંત્રીઓ તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા.
બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી એસ. જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોવાલ જેવા મહત્વના ચહેરાઓ હાજર હતા. આ ઉપરાંત પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા તથા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ પણ બેઠકમાં જોડાયા હતા.
આ બેઠક એવા સમયે યોજાઈ છે જ્યારે સરકાર એકસાથે અનેક મહત્વના અને સંવેદનશીલ મુદ્દાઓ પર નજર રાખી રહી છે. તાજેતરમાં વિદ્યાર્થી વિરોધીઓ સામે કથિત પોલીસ કાર્યવાહીને લઈને દેશભરમાં વિવાદ ઊભો થયો છે. આ ઉપરાંત પશ્ચિમ એશિયામાં ઈરાનને લઈને ચાલી રહેલા સંઘર્ષને કારણે ઊર્જા સુરક્ષા અને તેલની આયાતને લગતા પડકારો પણ સરકાર માટે ચિંતાનો વિષય બન્યા છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલની હાજરીને ધ્યાનમાં રાખતાં આ બેઠકમાં આંતરિક સુરક્ષા, વિદેશ નીતિ અને ઊર્જા સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીને લઈને આંતરિક અને બાહ્ય સુરક્ષા સંબંધિત બાબતો પર પણ વિચાર-વિમર્શ થયો હોવાનું અનુમાન છે.
સરકારી સ્ત્રોતો અનુસાર, પ્રધાનમંત્રી મોદી આવી ઉચ્ચસ્તરીય બેઠકો દ્વારા વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને જરૂૂરી નિર્દેશો આપતા હોય છે. આ બેઠક પણ એ જ શ્રેણીની મહત્વની બેઠક ગણાઈ રહી છે.
હાલમાં સંસદનું મોનસૂન સત્ર ચાલી રહ્યું છે અને આવા સમયે પ્રધાનમંત્રી દ્વારા આટલા વરિષ્ઠ મંત્રીઓને એકસાથે બોલાવવાની ઘટનાને રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
