કરજણ તાલુકાના સહકારી ક્ષેત્રમાં મોટો વળાંક આવ્યો છે. જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તથા કરજણ કોટન જિનના પ્રમુખ સતીશ પટેલ નિશાળિયા, મેનેજર અને સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સને જિલ્લા રજીસ્ટારે સત્તા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ સંસ્થાના વહીવટ માટે વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ કરજણ કોટન જિનની મિલકત પાસેથી કરજણ નગરપાલિકાના વરસાદી પાણીનો નિકાલ પસાર થાય છે. આ કાસ ઉપર કથિત રીતે જિલ્લા રજીસ્ટાર તથા નગરપાલિકાની મંજૂરી અને ટેન્ડર પ્રક્રિયા વિના દુકાનો બનાવી વેચાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા હતા.
આ મામલે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે જિલ્લા રજીસ્ટારને લેખિત રજૂઆત કરતાં સમગ્ર મામલાની તપાસ માટે ઓડિટ વર્ગ-2ને આદેશ આપવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સહકારી અધિનિયમની કલમ 71 અને 29 હેઠળ સંસ્થાના હોદ્દેદારોને નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે જરૂૂરી દસ્તાવેજો અને પુરાવા રજૂ કરવામાં ન આવતા ઓડિટરના અહેવાલના આધારે જિલ્લા રજીસ્ટારે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
જિલ્લા રજીસ્ટારે સહકારી અધિનિયમની કલમ 81(7) તથા 81 હેઠળ કાર્યવાહી કરીને પ્રમુખ સતીશ પટેલ નિશાળિયા, મેનેજર અને સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સત્તા પરથી દૂર કરી દીધા છે તેમજ સંસ્થાના વહીવટ માટે જિલ્લા રજીસ્ટારે પી.પી. પરમારની વહીવટદાર તરીકે નિમણૂક કરી છે. આ વહીવટદાર તા. 27/07/26થી કરજણ કોટનનો વહીવટ સંભાળશે.
આ કાર્યવાહી બાદ કરજણ તાલુકા અને વડોદરા જિલ્લાના સહકારી રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સમગ્ર ઘટનાક્રમ હવે રાજકીય ચર્ચાનું પણ કેન્દ્ર બન્યો છે. બીજી તરફ, સતીશ પટેલ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા હોવાથી હવે પાર્ટી તેમના સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી કરશે કે નહીં તે અંગે પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂૂ થઈ છે.
