Gen-Z સામે સરકાર ઘૂંટણિયે, અંતે ધર્મેન્દ્રનું રાજીનામું

દસ દિવસથી દુ:ખી હતો, યુવાનો કુચક્રમાં ફસાય નહીં અને દેશ વિરોધી તાકાતો ફાયદો ન ઉઠાવે તે માટે રાજીનામું આપ્યું: ધર્મેન્દ્ર પ્રધાન નીટના પેપર લીક અને…

દસ દિવસથી દુ:ખી હતો, યુવાનો કુચક્રમાં ફસાય નહીં અને દેશ વિરોધી તાકાતો ફાયદો ન ઉઠાવે તે માટે રાજીનામું આપ્યું: ધર્મેન્દ્ર પ્રધાન

નીટના પેપર લીક અને પરીક્ષા કૌભાંડો સામે યુવાનોમાં ફાટી નીકળેલા આક્રોશની જવાળાઓ દેશભરમાં પ્રસરતી જોઈ કેન્દ્રની મોદી સરકારે જેન-ઝી સામે અંતે નમતું જોખ્યું છે અને છેલ્લા 36 દિવસથી કોંકરોચ જનતા પાર્ટીના ચાલી રહેલા આંદોલન બાદ કેન્દ્રીય શિક્ષણમંત્રીએ રાજીનામું આપી દેતાં જંતરમંતર મેદાનમાં આંદોલનકારીઓની છાવણીમાં ભવ્ય વિજયોત્સવ મનાવાયો હતો.

આ સરકારમાં રાજીનામા નથી પડતાં તેવા સરકારના સૂર વચ્ચે અંતે જન આંદોલન સામે પ્રથમ વખત મોદી સરકારે પારોઠના પગલાં ભર્યા છે. 36 દિવસ ચાલેલી રાજરમત બાદ અંતે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દેતાં આંદોલન જીત્યું છે.

આંદોલન વધુ જલદ બનતા બે દિવસથી વડાપ્રધાન મોદી સક્રિય બન્યા હતાં અને બે દિવસ રાત ઉજાગરા કરી અડધી રાત્રે જેન ઝી સ્ટાઈલમાં વીડિયો સંદેશ આપ્યા હતાં તેમજ ગઈકાલે એનટીના 47 અધિકારીઓની હકાલપટ્ટી કરી હતી. બીજી તરફ આંદોલનકારીઓ સાથે સમાંતર વાટાઘાટો ચાલુ રાખી હતી પરંતુ કોંકરોચ જનતા પાર્ટી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે મક્કમ રહેતાં આજે બપોરે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડયું હતું.

રાજીનામા બાદ કોંકરોચ જનતા પાર્ટીએ હજુ ત્રણ માંગણી મુકી છે. તેમાં આપઘાત કરનાર છાત્રોના પરિવારોને રૂા.1 કરોડનું વળતર આપવા, આંદોલનકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવી નહીં, દિલ્હી પોલીસ તથા રેપીડ એકશન ફોર્સ માફી માંગે અને દમન આચરનાર પોલીસ અધિકારીઓ સામે પગલાં ભરવાનો સમાવેશ થાય છે.
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી આપ્યું છે. NEET-UG પરીક્ષામાં થયેલી ગડબડને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદ અને જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે તેમણે આ નિર્ણય લીધો. ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરી અને રાજીનામું આપવાનું કારણ પણ જણાવ્યું છે.

સોશિયલ મીડિયા પર શેર કરેલા એક ભાવુક પત્રમાં તેમણે પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. પત્રમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમણે પહેલા દિવસથી જ આ વિવાદ અંગે નૈતિક જવાબદારી સ્વીકારી હતી અને તેઓ ક્યારેય પોતાની જવાબદારીમાંથી ભાગ્યા નથી.

ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પત્રમાં લખ્યું કે, 3 મે, 2026ના રોજ યોજાયેલી NEET-UGની પરીક્ષામાં ગડબડ સામે આવ્યા બાદ સરકારે ત્વરિત સંજ્ઞાન લઈને મામલો CBIને સોંપ્યો હતો અને પરીક્ષા રદ્દ કરીને ફરીથી યોજવાની જાહેરાત કરી હતી. ઉપરાંત, આગામી વર્ષથી આ પરીક્ષા CBT (કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ) મોડમાં લેવાનો નિર્ણય કરાયો. 21 જૂન, 2026ના રોજ ફરીથી સફળતાપૂર્વક પરીક્ષા લેવાઈ અને 16 જુલાઈએ પરિણામ જાહેર કરાયું, જેમાં ગરીબ પૃષ્ઠભૂમિના મેધાવી વિદ્યાર્થીઓને સફળતા મળી.

રાજીનામું આપવાનું કારણ સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું પહેલા જ દિવસથી મેં આ મામલે જવાબદારી સ્વીકારી છે અને આ પરિસ્થિતિમાંથી ક્યારેય મોં ફેરવ્યું નથી. મારો સંકલ્પ હતો કે પરીક્ષા માફિયાના કારણે કોઈ મેધાવી વિદ્યાર્થીનું ભવિષ્ય બગાડવા ન દઈએ. પરંતુ જંતર-મંતર અને દેશમાં જે સ્થિતિ બની છે, તેનો રાષ્ટ્રવિરોધી તાકાતો લાભ ન ઉઠાવે, દેશની એકતા જળવાઈ રહે અને વિદ્યાર્થીઓ કાનૂની ગૂંચવણોમાં ન અટવાય તે માટે મેં મારો રાજીનામાનો પત્ર માનનીય વડાપ્રધાનજીને મોકલી આપ્યો છે.

પોતાના પત્રના અંતમાં ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને દેશના યુવાધનનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ ભવિષ્યમાં પણ ભારત માતા, ઓડિશાની જનતા અને દેશના યુવાનોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે હંમેશાં સમર્પિત રહેશે.

વધુમાં, તેમણે એક નોંધ પોસ્ટ કરી જેમાં લખ્યું હતું કે, હું ચાર દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ સુધારણા માટે સમર્પિત છું. હું હંમેશા માનતો આવ્યો છું કે એક મજબૂત, સમાવિષ્ટ અને દૂરંદેશી શિક્ષણ પ્રણાલી એક મજબૂત રાષ્ટ્રનો પાયો છે. હું દેશના યુવાનોની આકાંક્ષાઓ, લાગણીઓ અને કાયદેસર અપેક્ષાઓનો ઊંડો આદર કરું છું. ભારતની યુવા પેઢીના સપનાઓને સાકાર કરવા એ આપણા રાજકીય અને સામાજિક જીવનમાં એક નૈતિક પ્રતિબદ્ધતા રહી છે. હું માનનીય વડા પ્રધાનનો તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ રાષ્ટ્રની સેવા કરવાની તક માટે આભાર વ્યક્ત કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *