બાવળા પાસે રાજકોટ-અમદાવાદ હાઇવે બંધ

અમદાવાદ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે બાવળામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું…

અમદાવાદ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે બાવળામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. ખાસ કરીને અમદાવાદ-રાજકોટ હાઇવે તેમજ બાવળા-સરખેજ હાઇવે પર ભારે પાણી ભરાઈ જતાં રસ્તા નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.

હાઇવે પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે અને અનેક વાહનચાલકો રસ્તામાં જ ફસાઈ ગયા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નાના વાહનોને બાવળાથી સરખેજ તરફ તેમજ બાવળા-ધોળકા અને બાવળા-સાણંદ રોડ પર અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ, બાવળાની સ્થિતિ વધુ ગંભીર બની છે. ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતાં ત્યાં ફસાયેલા નોકરિયાત લોકોને ટ્રેક્ટરની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત બાવળાની અનેક રહેણાંક સોસાયટીઓ તેમજ પોલીસ ક્વાર્ટર્સમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને સ્થાનિક તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખીને જરૂૂરી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *