વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત દેશને 2047 સુધીમાં વિકસિત ભારત તરીકે વિશ્વમાં પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે તેમ કહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગવી શૈલીમાં માર્મિક કથન કરી સૌને ચોંકાવ્યા છે.
જીપીએસસી મારફતે નાણાં વિભાગમાં સીધી સરકારી સેવામાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર્સ તરીકે 301 નવયુવાઓને નિમણૂક પત્રો એનાયત કરવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ’તમે બધા તો કેટલા નસીબદાર છો. તમારે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત માટે કામ કરવાના છો. તમે તો વિકસિત ભારત અને વિકસિત ગુજરાત પણ જોશો. અમારામાંથી તો કદાચ કેટલાય હોય, કેટલાક ન પણ હોય. પરંતુ મને લાગે છે કે હર્ષભાઇ (નાયબ મુખ્યમંત્રી) તો હશે. એ જોશે પણ ખરાં.!’
મુખ્યમંત્રીએ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર્સ તરીકે નિમણૂક પામેલા યુવાઓને એમની જવાબદારી અને ફરજો પ્રત્યે સજાગ કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિમાં જે રિવ્યોલ્યુશન કર્યું છે તેના કારણે વિશ્વના દેશોમાંથી કંપનીઓ, રોકાણકારો પોતાના વેપાર, ધંધા અને ઉદ્યોગો ગુજરાતમાં સ્થાપી રહ્યા છે.
એમણે શરૂૂ કરેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટના લીધે રોકાણકારો, ઉદ્યોગો વિકસી રહ્યા છે ત્યારે તમારો પ્રયાસ એવો રહેવો જોઇએ, કે આ વિકાસ પણ રૂૂંધાયા વગર સતત વધે અને સાથે ગુજરાત પોતાના વિકાસ કાર્યોને ગતિ આપી શકે. ક્યાંય કોન્ફ્લિક્ટ થઇ જાય તો મુશ્કેલી થાય.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં ઇન્સ્પેક્ટર્સને સૂચન કર્યું કે,નવનિયુક્ત કર્મચારીની પ્રાથમિક જવાબદારી છે કે કોઈ પણ પ્રમાણિક વેપારીને અકારણસર મુશ્કેલી કે અગવડતા ન પડે. તેવી રીતે તમારે કામ કરવાનું છે. નાના વેપારીઓ, ઉદ્યોગકારોને નાની નાની વાતે કનડવા કરતાં એમની સાથે સંવાદ કરજો, સિનિયરોના અનુભવનો લાભ લઇને કામ કરજો. આ રીતે કરશો તો સરકાર તરીકે અમે વધુને વધુ વિકાસ કાર્યો, પ્રોજેક્ટ્સને મંજૂરી આપી શકીશું અને એના કારણે ટેક્સની આવક વધી શકશે.
