અમદાવાદમાં વેજને બદલે નોનવેજ બર્ગર, સુરતમાં મંચુરિયનમાં ઉંદર

રાજ્યના બે મોટા શહેરો અમદાવાદ અને સુરતમાં ખાણીપીણીના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સાઓ સામે આવ્યા છે. એક તરફ અમદાવાદના મેકડોનાલ્ડ્સ આઉટલેટમાં વેજની જગ્યાએ નોનવેજ બર્ગર…

રાજ્યના બે મોટા શહેરો અમદાવાદ અને સુરતમાં ખાણીપીણીના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સાઓ સામે આવ્યા છે. એક તરફ અમદાવાદના મેકડોનાલ્ડ્સ આઉટલેટમાં વેજની જગ્યાએ નોનવેજ બર્ગર પધરાવી દેવાતા AMC એ તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરી છે, તો બીજી તરફ સુરતમાં ચાઈનીઝ આઇટમમાંથી ઉંદર નીકળવાનો વીડિયો વાયરલ થતાં લોકોના આરોગ્ય સામે મોટા સવાલો ઊભા થયા છે.

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા પ્રખ્યાત મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટમાં એક યુવકે મેકડોનાલ્ડ્સમાંથી ઓનલાઈન ’વેજ બર્ગર’નો ઓર્ડર આપ્યો હતો. પરંતુ રેસ્ટોરન્ટની ઘોર બેદરકારીના કારણે ગ્રાહકને વેજને બદલે ’નોનવેજ બર્ગર’ મોકલી આપવામાં આવ્યું હતું. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં તાત્કાલિક લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ AMC ની ટીમે નરોડા સ્થિત મેકડોનાલ્ડ્સમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને ગુણવત્તામાં ગંભીર બેદરકારી બદલ આઉટલેટને તાત્કાલિક ધોરણે સીલ કરી દીધું છે.

સુરત શહેરના સચિન પાળી ગામ વિસ્તારમાં આવેલા ’જય હનુમાન ચાઈનીઝ સેન્ટર’નો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાઈનીઝ સેન્ટર પર ખાવા આવેલા એક ગ્રાહકે આક્ષેપ કર્યો છે કે તેને પીરસવામાં આવેલા મંચુરિયનમાં ઉંદર જોવા મળ્યો હતો. સમયસર ધ્યાન જતાં ગ્રાહક મોટી આરોગ્ય વિષયક મુશ્કેલીમાંથી બચી ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ગ્રાહકે આ આખી ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો કે વાયરલ વીડિયોની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાનું સત્ય બહાર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *