એમબીબીએસ સહિતના મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન નીટના પેપર લીકના મુદ્દે કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ દિલ્હીના જંતર મંતરમાં અડિંગો જમાવ્યો છે ને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી જોરશોરથી થઈ રહી છે. લાંબા સમયથી દેખાવો થઈ રહ્યા છે પણ મોદી સરકાર આ દેખાવોની અવગણના જ કરી રહી હતી.
હવે અચાનક સરકાર સફાળી જાગી છે અને એક તરફ સીજેપી સાથે વાટાઘાટો શરૂૂ કરી છે ત્યારે બીજી તરફ મૌન ધારણ કરીને બેઠેલા આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોં ખોલી દીધું. મોદીએ ભાજપ સંસદીય દળની બેઠકમાં પેપર લીકને ઘોર પાપ ગણાવીને નીટ પેપર લીક મામલે પોતાની સરકારે શું કર્યું તેનો હિસાબ રજૂ કર્યો. મોદીનો દાવો છે કે, સરકારે જવાબદાર તમામ લોકો સામે પગલાં લીધાં છે અને ધરપકડો કરી છે. નીટની પરીક્ષા પણ ફરી લેવડાવીને વિદ્યાર્થીઓને થયેલો અન્યાય દૂર કરવા પ્રયત્ન કર્યો છે. મોદી સરકારે નીટ પેપર લીક કેસમાં ધરપકડો કરાવડાવી છે ને ફરી પરીક્ષા પણ લેવડાવી તેથી સાવ હાથ પર હાથ મૂકીને બેસી નથી રહી એ વાત સાવ સાચી છે પણ આ તપાસ ને ધરપકડો છોકરાંને ફોસલાવવાથી વધારે કંઈ નથી.
મોદીએ પેપર લીકને ઘોર પાપ ગણાવ્યું પણ આપણે ત્યાં તો છાસવારે પેપરો ફૂટે છે ત્યારે આ ઘોર પાપ વારંવાર કેમ થાય છે એ મુદ્દે પણ માંડીને વાત ના કરી. મોદી સરકારે સીબીઆઈને તપાસ સોંપી પછી 13 લોકોની ધરપકડ કરાઈ પણ એ બધા સાવ નાના લોકો છે. નીટ લેવાની જવાબદારી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ની છે પણ સરકારે એનટીએને કશું કર્યું નથી. એનટીએ પાસે પોતાનું કોઈ તંત્ર નથી તેથી પેપરો છાપવા, પેપરો પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા અને પરીક્ષા પત્યા પછી ઉત્તરવહીઓ લઈ જવી. પરીક્ષા કેન્દ્રોનું સંચાલન, બાયોમેટ્રિક વેરીફિકેશન અને ઉત્તરવહીની ચકાસણી સુધીનું બધું કોન્ટ્રાક્ટથી કરાવે છે. આ બધા કોન્ટ્રાક્ટ કોને અપાતા હશે એ કહેવાની જરૂૂર નથી.
મોદી સરકારે એનટીએ 2017માં સ્થાપી પછી દેશભરની મેડિકલ કોલેજોમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (નીટ) અને એન્જીનિયરિંગ કોર્સીસ માટેની જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (જેઇઇ) એનટીએ લે છે. એનટીએને 10 વર્ષ પણ નથી થયા છતાં નીટ અને જેઈઈ બંનેમાં 10થી વધારે તો મોટાં કૌભાંડ થઈ ગયાં છે. 2020માં આસામમાં જેઈઈના ટોપરના બદલે બીજા કોઈએ પરીક્ષા આપી હોવાનું ભોપાળું બહાર આવ્યું ત્યારથી આ સિલસિલો શરૂૂ થયો ને નીટ-જેઈઈ બંનેમાં દર વરસે કોઈ ને કોઈ કૌભાંડ બહાર આવે જ છે. નીટ સહિતની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનો ભરોસો બેસે એ માટે આકરાં પગલાં જરૂૂરી છે, ખોટા સધિયારા કે વાતોનાં વડાં નહીં.મોદીએ આ વાત વિદ્યાર્થીઓ પાસે જઇ કરી હોત તો તેમનું ગૌરવ વધત.
