ચુડા પંથકમાં આવેલી સરકારી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતી અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતી દીકરીઓને મધ્યાહન ભોજન અથવા રાત્રિના ભોજન દરમિયાન આપવામાં આવેલું ખાવાનું ઝેરી સાબિત થયું છે. ભોજન આરોગ્યાના થોડા જ સમયમાં એક પછી એક વિદ્યાર્થીનીઓને પેટમાં અસહ્ય દુખાવો, ચક્કર આવવા અને ઉલ્ટીઓ થવાની ફરિયાદો શરૂૂ થઈ ગઈ હતી.
જોતજોતામાં માંદી પડતી બાળાઓની સંખ્યા 70ને પાર પહોંચી જતાં શાળાના સત્તાધીશોના હોશ ઊડી ગયા હતા. સ્થાનિક આરોગ્ય કેન્દ્ર અને 108 ની ટીમોને તાત્કાલિક જાણ કરવામાં આવતા જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્ત અને બીમાર વિદ્યાર્થીનીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તબીબોની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે તેમની સારવાર શરૂૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ, ભોજનમાં કોઈ કેમિકલ પ્રતિક્રિયા અથવા વાસી સામગ્રીના ઉપયોગને કારણે ફૂડ પોઈઝનિંગ થયું હોવાની પૂરેપૂરી આશંકા છે.
આ ઘટના વાયુવેગે પ્રસરતા જ હોસ્પિટલ અને શાળા પરિસરમાં વાલીઓના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. દીકરીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતાં વાલીઓમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. આટલી મોટી સંખ્યામાં બાળાઓ એકસાથે ભોજનથી પ્રભાવિત થાય તે બાબત જ દર્શાવે છે કે વિદ્યાલયના રસોડામાં સ્વચ્છતાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતાં ઉચ્ચ સરકારી અધિકારીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ ચુડા ખાતે દોડી આવ્યા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે આ સમગ્ર પ્રકરણમાં જે પણ એજન્સી કે કોન્ટ્રાક્ટર દોષિત સાબિત થાય તેની સામે તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરી કડકમાં કડક સજા કરવામાં આવે.
