સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે વિધાનસભા મતવિસ્તારવાર વિગતો મેળવવા માટે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરતાં એક મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. અદાલતે કહ્યું છે કે નાગરિકતા નક્કી કરવી એ ચૂંટણી આયોગ (ECI)નું બંધારણીય કાર્ય નથી. ચૂંટણી આયોગની ભૂમિકા માત્ર વોટરલિસ્ટની તૈયારી, દેખરેખ અને તેની તપાસ સુધી જ મર્યાદિત છે.
સુપ્રીમ કોર્ટે વધુમાં ઉમેર્યું કે વોટર લિસ્ટમાંથી કોઈ વ્યક્તિનું નામ કાઢી નાખવાથી તે વ્યક્તિની નાગરિકતા આપમેળે સમાપ્ત થઈ જતી નથી. જો કોઈ ટ્રિબ્યુનલ SIR લિસ્ટમાં વ્યક્તિનું નામ સામેલ ન કરવું જોઈએ તેમ નિર્ણય કરે તો ચૂંટણી આયોગે આ મામલો તાત્કાલિક સંબંધિત મંત્રાલયને નાગરિકતા નિર્ધારણ માટે મોકલવો જોઈએ. આ પ્રકારની વ્યવસ્થા દ્વારા નાગરિકતા અને ચૂંટણી અધિકાર વચ્ચેની સ્પષ્ટ સીમા જળવાઈ રહેશે.
આ મામલે આગામી સુનાવણી આગામી તારીખ 25 ઓગસ્ટે નક્કી કરવામાં આવી છે. આ દરમિયાન અરજદારો અને સરકાર તરફથી વધુ વિગતો અને જવાબો મેળવવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આ નિર્દેશથી રાજ્યમાં ચાલતી વિશેષ વોટરલિસ્ટ રિવિઝન પ્રક્રિયા પર નોંધપાત્ર અસર પડી શકે છે.
પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા અંતર્ગત વોટરલિસ્ટની તપાસ અને સુધારણાનું કામ ચાલી રહ્યું છે. આ પ્રક્રિયામાં અનેક વિવાદો સામે આવ્યા છે અને તેને લઈને વિરોધ પણ થયો છે. આ અરજીમાં મતવિસ્તારવાર વિગતો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે જેથી પારદર્શિતા જળવાઈ રહે. સુપ્રીમ કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને બંને પક્ષોને યોગ્ય તક આપવાનું નક્કી કર્યું છે.
આ નિર્ણય દેશભરની ચૂંટણી પ્રક્રિયામાં મહત્ત્વની દિશા આપી શકે તેમ છે. નાગરિકતા નિર્ધારણની જવાબદારી સંબંધિત અધિકારીઓ અને મંત્રાલય પાસે જ રહે તેવું અદાલતે પુન:સ્થાપિત કર્યું છે. આથી ચૂંટણી આયોગ પર અનાવશ્યક બોજ ન પડે અને તેનું કાર્ય ક્ષેત્ર સ્પષ્ટ રહે.
આ વિકાસથી રાજકીય પક્ષો અને નાગરિક સંગઠનોમાં ચર્ચાઓ શરૂૂ થઈ છે. ઘણા વિશ્ર્લેષકો માને છે કે આ નિર્ણય પારદર્શક અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા માટે મહત્ત્વપૂર્ણ છે. આગામી સુનાવણીમાં વધુ વિગતો સામે આવવાની સંભાવના છે.
