સસ્તા અનાજની દુકાનોમાં હજુ સુધી જુલાઇનું અનાજ મળ્યું નથી

રાજ્યમાં પાત્રતા ધરાવતા રેશન કાર્ડ ધારકોને અનાજ આપવા માટે પુરવઠા તંત્ર અત્યાધુનિક આયોજન કરી રહ્યું છે તે હજુ સુચારુ રીતે ગોઠવાયું નથી. બીજી તરફ દુકાનદારો…

રાજ્યમાં પાત્રતા ધરાવતા રેશન કાર્ડ ધારકોને અનાજ આપવા માટે પુરવઠા તંત્ર અત્યાધુનિક આયોજન કરી રહ્યું છે તે હજુ સુચારુ રીતે ગોઠવાયું નથી. બીજી તરફ દુકાનદારો દ્વારા પરંપરાગત રીતે કાર્ડધારકોને અનાજ આપવામાં આવે છે તેમાં પણ સમયસર અનાજનો પુરવઠો પૂરો પાડવામાં સતત અનિયમિતતા દાખવી રહ્યું છે. જુલાઇ મહિનાની 10 તારીખ સુધી અમદાવાદ શહેરની મોટાભાગની રેશનિંગની દુકાનોમાં હજુ અનાજનો પુરવઠો પહોંચ્યો નથી.

જેના કારણે ગ્રાહકો અનાજ લેવા ધક્કા ખાઇ રહ્યા છે તો દુકાનદારો પણ ગ્રાહકોના રોષનો ભોગ બની રહ્યા છે. એકતરફ રેશનિંગના અનાજ માટે પુરવઠા વિભાગ એટીએમ અને ક્યુઆર કોડથી પેમેન્ટ જેવી અત્યાધુનિક સુવિધા ઉભી કરી રહ્યો છે પરંતુ હજુ દુકાનોમાં પણ પૂરતો અને નિયમિત અનાજ પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. પુરવઠા તંત્રએ દુકાનદારો પાસેથી જૂનની 16મી તારીખે જ અનાજ માટે ઓનલાઇન એડવાન્સમાં રૂૂપિયા લઇ લીધા હતા પરંતુ હજુ અનાજ પહોંચાડી શકાયું નથી. દુકાનદારોને જુલાઇમાં તુવેર દાળની પરમીટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી તેથી ચાલુ માસે ગ્રાહકોને તુવેર દાળનો પુરવઠો મળે તેવી સંભાવના નહિવત્ બની છે.

રેશનિંગના દુકાનદારોને અનાજના પુરવઠાની જેમ કમિશન પણ નિયમિત મળવામાં તંત્ર સતત અનિયમિત છે. તંત્ર દુકાનદારોને કડકાઇ દાખવીને એડવાન્સમાં આગામી મહિનાના રેશનિંગના અનાજ માટેના રૂૂપિયા ભરાવે છે પરંતુ 20 હજારનું કમિશન સમયસર આપી શકતું નહીં હોવાની ફરિયાદો પણ ઊઠવા પામી છે. સમસ્યાઓને કાયમી ઉકેલ આવે તેવી માગણી પણ દુકાનદારો દ્વારા કરાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *