વેરાવળ નજીક આવેલા જાલેશ્વર દરિયા કિનારે આજે રવિવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. દરિયાના ધસમસતા પ્રવાહમાં બે યુવતીઓ તણાઈ ગઈ હતી, જેમાં 17 વર્ષની નિકિતા રામભાઈ પંડિત નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર કોળી સમાજ અને સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જ્યારે અન્ય એક યુવતી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ અંગે જાણવા મળતી માહિતી મુજબ, વેરાવળના હરસુખ ગોહેલ પોતાની બે પિતરાઈ બહેનો સાથે જાલેશ્વર દરિયા કિનારે આવેલા રામદેવજી મહારાજના મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ ત્રણેય જણ દરિયા કિનારે પહોંચ્યા હતા. તે દરમિયાન અચાનક આવેલા ભારે મોજાં માં એક યુવતી તણાવા લાગી હતી. તેને બચાવવા જતાં બીજી યુવતી પણ દરિયાના પ્રચંડ પ્રવાહમાં સપડાઈ ગઈ હતી. ઘટના અંગે હરસુખ ગોહેલે જણાવ્યું કે રવિવારની રજા હોવાથી અમે પરિવાર સાથે દર્શન કરવા આવ્યા હતા. દર્શન બાદ બંને બહેનો દરિયા કિનારે ગઈ ત્યારે અચાનક આવેલા મોજાંના કારણે તણાવા લાગી હતી.
મેં એક બહેનને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બીજી બહેન ઊંડા પાણીમાં ખેંચાઈ ગઈ હતી. યુવતીઓ ડૂબતી હોવાની બૂમાબૂમ થતાં જ નજીકમાં હાજર જાલેશ્વર ના માછીમાર સમુદાયના લોકો તરત જ દરિયામાં કૂદી પડ્યા હતા. માછીમારોએ ભારે જહેમત બાદ બંને યુવતીઓને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી હતી. જેમાં ગંભીર હાલતમાં રહેલી નિકિતા રામભાઈ પંડિત (ઉંમર 17, રહે. વેરાવળ) ને બચાવી શકાઈ નહોતી અને સારવાર દરમિયાન તેણે દમ તોડયો હતો. જ્યારે બીજી યુવતી હાલ તબીબોની દેખરેખ હેઠળ છે.
આ કરુણ ઘટનાની જાણ થતાં જ કોળી સમાજના આગેવાનો ભીમભાઈ વાયલું, એડવોકેટ દેવાભાઈ ધારેચા સહિતના આગેવાનો અને પરિવારજનો વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ચોમાસાની ઋતુને પગલે દરિયાકાંઠે ભારે મોજાં અને તીવ્ર પ્રવાહ રહેતો હોવાથી તંત્ર દ્વારા સ્થાનિકો અને પ્રવાસીઓને દરિયા કિનારે ન જવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ, સ્થાનિક લોકોમાં પણ આવા જોખમી સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
