ગામડાઓમાં વસવાટ કરતાં સ્થાનિક લોકો, પશુપાલકો અને ખેડૂતો પર મંડરાઈ રહ્યું છે પાણીનું સંકટ
સમગ્ર રાજ્યમાં ચોમાસુ 15જૂન થી બેસી ચૂક્યું છે ત્યારે તેના 15 દિવસ વિતવા છતાં પણ વરસાદના કોઈ નકોર એંધાણ દેખાતા નથી. બીજી બાજુ ભારે તાપ થી ગરમીનો પારો સતત વધતા નદી નાળામાં આવેલાં ચેકડેમો માં રહેલા પાણી પણ સુકાઈ ચુક્યા છે ત્યારે કુવાઓ અને બોર માં પાણી પણ ડુકતાં જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા વિસ્તાર ની જીવાદોરી સમાન સુરવો નદી અને સુરવો ડેમ પાણીનો મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે. સુરવો ડેમ ગત વર્ષના અધૂરા રીપેરીંગ કામને કારણે આ વર્ષે ખાલી કરવામા આવતા ડેમમાં પાણી તળિયા ઝાટક ખાલી જોવા મળી રહ્યું છે.
તો સુરવો નદીના ચેકડેમ ભારે તાપ ના હિસાબે ખાલી થઇ ચુક્યા છે ત્યારે વડિયા ના લોકો માટે પીવાના પાણીની વિકટ સમસ્યાનુ ટૂંકાગાળામાં સર્જન થાય તેવી સ્થિતિ સામે આવતી જોવા મળી રહી છે. હાલ વડિયામાં પીવાના અને વપરાશના પાણીના સ્થાનિક સ્ત્રોત પૂર્ણ થઇ રહ્યા છે અને ફક્ત નર્મદાના પાણી પર આધાર રાખવાની નોબત આવી છે. ત્યારે મોટી વસ્તી ધરાવતા વડિયા ગામમાં નર્મદાના પાણીથી પૂરતા પ્રમાણ માં પાણી વિતરણ શક્ય ના હોવાથી ચાર થી પાંચ દિવસે પાણી વિતરણ કરવાની ફરજ પડે એમ છે. તો જે ખેડૂતો એ ચેકડેમોમાં પાણી હોવાથી ખેતરોના કુવાઓમાં પાણી હોવાથી આગતરું વાવેતર કરી દીધું છે તેના કુવાઓમાં પણ પાણીના તળ ખૂટતા હાલ આગતરું વાવેતર કરનાર ખેડૂતોની પરિસ્થિતિ ખુબ જ વિકટ બનતી જાય છે સાથે વડિયામાં માલધારી વસ્તી હોવાના કારણે પશુ પાલનનો વ્યવસાય કરતા પશુ પાલકો અને ગૌશાળાઓ માં પણ પશુઓના પીવાના પાણીની વિકટ સમસ્યાઓ સામે આવી રહી છે.
જો ચાર પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવે તો વડિયામાં પાણી માટે યુદ્ધ જેવી સ્થિતિનુ નિર્માણ થઇ શકે છે.ત્યારે વડિયા વિસ્તાર ના ધારાસભ્ય સરકાર માં રાજ્ય કક્ષાના મંત્રી છે એટલે “મોસાળે જમણવાર અને માં પીરસણી ” હોવાથી સરકાર માં પ્રતિનિધિત્વ ધરાવતા વિસ્તાર માં કોઈ પણ સમસ્યા આવે તેને ઉકેલવી સરળ બની શકે છે ત્યારે આ ઉભી થયેલી પાણીની વિકટ સમસ્યા ના ઉકેલ માટે રામપુર સ્થિત આવેલાં સૌની યોજનાના વાલ્વ મારફત નર્મદાનું પાણી છોડી ને સુરવો નદીમાં વહાવી રસ્તામાં આવતા ચેકડેમો ભરી વડિયાના સુરવો ડેમને ભરી તે પાણી સુરવો નદીમાં છોડવામાં આવે તો વડિયા વિસ્તાર ના પાણીના તળ ઉંચા આવી શકે અને પાણીની વિકટ પરિસ્થિતીને નિવારી શકાય એમ છે.
