અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના પરિવાર દ્વારા ઉજજૈનમાં કરોડોની કિંમતની જમીન ખરીદી મામલે કોંગ્રેસ દ્વારા રોજબરોજ ઉઠાવવામાં આવતા સવાલોથી ભાજપ હાઇકમાન્ડ ભલે ચૂપ હોય પણ તે બેકફુટ પર છે. અહેવાલો મુજબ અયોધ્યા પ્રકરણ મામલે સીએમ યોગી એકિટવ છે. સિટની તપાસના આદેશ સાથે તેઓ વિપક્ષી હુમલાઓનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. પણ ભાજપ હાઇકમાન્ડ ચિંતિત છે. ટોચના નેતાઓને લાગી રહ્યું છે કે આ આસ્થાભંગનો આ મુદ્દો જેટલો લાંબો ચાલશે એટલું પક્ષને નુકસાન થશે.
પીએમોઅએ આ મામલે યુપી સરકાર અને ટ્રસ્ટ પાસેથી અહેવાલ માગ્યો છે. બીજી તરફ, આ મામલે પ્રહારો ઉગ્ર બનાવતા કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના અધ્યક્ષ પવન ખેરાએ બુધવારે ઉજ્જૈનમાં કથિત જમીન કૌભાંડ અંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને ભાજપ પર પ્રહારો કર્યા, અને ઉજ્જૈન માસ્ટર પ્લાન 2035 ના ક્ષેત્રમાં તેમના પરિવાર દ્વારા જમીન ખરીદવામાં હિતોના સંઘર્ષનો દાવો કર્યો. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા, ખેરાએ આરોપ લગાવ્યો કે મોહન યાદવના પરિવારના સભ્યોએ 2028 માં ઉજ્જૈન કુંભ જ્યાં યોજાશે તે વિસ્તારમાં 168 એકરમાંથી 111 જમીન ખરીદી હતી. આ મુદ્દાને અયોધ્યા રામ મંદિરમાં કથિત દાનની ઉચાપત સાથે જોડતા, કોંગ્રેસના નેતાએ કહ્યું, “મેં જીતુ પટવારીને કહ્યું હતું કે આ કોઈ પ્રાદેશિક કે રાષ્ટ્રીય મુદ્દો આ અને અયોધ્યા આંતરરાષ્ટ્રીય મામલો છે. લોકોની શ્રદ્ધા આ શહેરો સાથે જોડાયેલી છે. લોકો તીર્થયાત્રાઓ પર જવા માટે પૈસા કમાય છે અને બચત કરે છે.” પૈસા લૂંટવા, ચોરી કરવી એ લોકોના વિશ્વાસ પર છરો ઘા કરવા જેવું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવતા, ખેરાએ દાવો કર્યો કે મોહન યાદવ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.
“એવી અપેક્ષા રાખશો નહીં કે વડા પ્રધાન કંઈક કહેશે. તેઓ તમને વિદેશમાં મેલોડી અને અહીં ઝાલમુરી ખાવા માટે મજબૂર કરશે, જ્યારે તેમના મુખ્યમંત્રીઓ જમીન ખાઈ જશે અને સોનું-ચાંદીનું દાન કરશે.
કોંગ્રેસના અન્ય એક નેતા અને છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે તાજેતરના રામ મંદિર દાન વિવાદ અંગે કેન્દ્રની ટીકા કરી છે, સરકાર પર ભગવાન રામના નામે લોકોને “લૂંટ” કરવાનો આરોપ લગાવ્યો છે. પત્રકારો સાથે વાત કરતા, કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કેન્દ્ર સરકાર અને ગઝનીના મહમૂદ વચ્ચે સમાનતા દર્શાવી, નોંધ્યું કે જ્યારે આક્રમણકારે સોમનાથ મંદિર લૂંટ્યું હતું, ત્યારે RSS અને VHP હાલમાં રામ મંદિર લૂંટી રહ્યા છે.
રામમંદિર ટ્રસ્ટ અંતે જાગ્યુ: કર્મચારીઓને ખિસ્સા વગરના કપડા, મોબાઇલ પર પ્રતિબંધ
આ દાનની રકમમાં કથિત ગેરરીતિ અને ચોરીના ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા બાદ હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ એક્શન મોડમાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા દાનની ગણતરી અને તેની વ્યવસ્થાપન પ્રણાલીમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર, હવે દાન ગણતરી કક્ષમાં પ્રવેશતા તમામ કર્મચારીઓ માટે ખિસ્સા વગરના વિશેષ વસ્ત્રો પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ સિવાય કર્મચારીઓ માટે અંદર કોઈપણ પ્રકારની ખાનગી વસ્તુઓ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. જેમાં મોબાઈલ ફોન, પાકીટ કે વોલેટ, કોઈપણ પ્રકારની બેગ, થેલો કે ઝોલો, અન્ય વ્યક્તિગત સામગ્રી, આટલું જ નહીં, કર્મચારીઓ જ્યારે ગણતરી રૂૂમમાં પ્રવેશ કરશે અને ત્યાંથી બહાર નીકળશે, તે બંને સમયે તેમનું ઝીણવટભર્યું અને સઘન શારીરિક ચેકિંગ કરવામાં આવશે. પહેલા આ રૂૂમમાં 6 સીસીટીવી કેમેરા કાર્યરત હતા, જેની સંખ્યા વધારીને હવે 10 કરી દેવામાં આવી છે.આ સમગ્ર ગણતરી પ્રક્રિયાનું સતત વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે.
અને મલ્ટિ-લેવલ મોનિટરિંગ સિસ્ટમ દ્વારા તેના પર નજર રાખવામાં આવી રહી છે.
તદુપરાંત, હવે ડિજિટલ અને ફિઝિકલ લોગ પણ જાળવવામાં આવી રહ્યો છે. ગણતરી કક્ષમાં જતા દરેક કર્મચારીનો ચોક્કસ રેકોર્ડ રખાય છે. તેમની ડ્યુટી શરૂૂ થતાં પહેલાં અને પૂર્ણ થયા બાદ સત્તાવાર હાજરી નોંધવામાં આવે છે અને આ આખી પ્રક્રિયાનું સખત દસ્તાવેજીકરણ કરવામાં આવી રહ્યું છે.
