2018માં સરદારની પ્રતિમાને ફુલહાર ચડાવવામાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો, જાહેર હિતમાં કેસ પાછો ખેંચાયો
સુરતમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયા સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી છે. પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલો લગભગ 8 વર્ષ જૂનો જાહેરનામા ભંગનો કેસ હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયો છે. રાજ્ય સરકારે આ કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો, જેના આધારે સુરત કોર્ટે ઈઙિઈ 321 હેઠળ કેસ રદ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આ નિર્ણય બાદ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા આ કેસમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવીયા, અશોક જીરાવાલા સહિતના અનેક પાટીદાર આગેવાનો આરોપી તરીકે સામેલ હતા. વર્ષોથી ચાલતા આ કેસમાં હવે અંતિમ નિર્ણય આવતા આગેવાનો અને તેમના સમર્થકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
આ સમગ્ર મામલો વર્ષ 2018નો છે. તે સમયે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર ચડાવવા માટે પાટીદાર આગેવાનો અને કાર્યકરો જઇ રહ્યા હતા. આ દરમિયાન જાહેરનામાના ભંગનો આરોપ લગાવી તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા નોંધાયેલા કેસમાં જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કાયદાકીય કાર્યવાહી શરૂૂ થઈ હતી.
આ કેસ વર્ષો સુધી કોર્ટમાં ચાલતો રહ્યો હતો. દરમિયાન રાજ્ય સરકારે કેસની સમીક્ષા કર્યા બાદ તેને પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલોમાં જણાવવામાં આવ્યું હતું કે આ કેસને આગળ ચલાવવો જાહેર જનતાના હિતમાં નથી. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને કેસ પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
સરકારની અરજી પર વિચારણા કર્યા બાદ સુરત કોર્ટે ઈઙિઈ 321 હેઠળ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે કેસ ચાલુ રાખવો જાહેર હિતમાં નથી અને તેથી કેસ રદ કરવામાં આવે. આ સાથે હાર્દિક પટેલ, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવીયા, અશોક જીરાવાલા સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
