110 જળાશયોમાં 20 ટકાથી ઓછું જળસ્તર, સૌરાષ્ટ્રમાં ચિંતાજનક સ્થિતિ

ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં 4 ટકા અને સૌરાષ્ટ્રમાં 19 ટકા ઓછો જળસંગ્રહ, અનેક જળાશયો તળિયાઝાટક નર્મદા ડેમ જીવાદોરી બની, 65 ટકા જથ્થો ઉપલબ્ધ ગુજરાતમાં ચોમાસાના…

ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં 4 ટકા અને સૌરાષ્ટ્રમાં 19 ટકા ઓછો જળસંગ્રહ, અનેક જળાશયો તળિયાઝાટક

નર્મદા ડેમ જીવાદોરી બની, 65 ટકા જથ્થો ઉપલબ્ધ

ગુજરાતમાં ચોમાસાના આગમનમાં વિલંબ થતાં અને અસહ્ય બફારા વચ્ચે રાજ્યમાં પીવાના પાણી અને ખેતીવાડી માટે જળમાંગ તીવ્ર બની છે. સામાન્ય રીતે 15મી જૂને બેસતું ચોમાસું 21મી જૂન સુધી પણ અનિશ્ચિત રહેતાં જળાશયોના જળસ્તર ચિંતાજનક સપાટીએ પહોંચી ગયા છે. રાજ્યના 110 ડેમો સરેરાશ 80% કે તેથી વધુ ખાલી થઈ ચૂક્યા છે. બીજી તરફ, અમદાવાદના નાગરિકોએ વરસાદ માટે હજુ વધુ રાહ જોવી પડશે, કારણ કે આગામી 7 દિવસ સુધી શહેરમાં વરસાદની કોઈ સંભાવના નથી.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, અમદાવાદમાં આગામી એક સપ્તાહ સુધી મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ જ રહેશે. હાલમાં તાપની તીવ્રતા ઘટી છે, પરંતુ હવામાં ભેજનું પ્રમાણ 60% જેટલું નોંધાતા લોકો અસહ્ય ઉકળાટથી ત્રસ્ત થયા છે. અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 38.9 ડિગ્રી અને ગત રાત્રિનું લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 1.4 ડિગ્રીના વધારા સાથે 29 ડિગ્રી નોંધાયું હતું. હવામાન નિષ્ણાતોના મતે અમદાવાદમાં 29મી જૂન બાદ વરસાદી માહોલ જામી શકે છે, જ્યારે આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે.

ધોધમાર વરસાદના અભાવે ગત વર્ષની સાપેક્ષે આજના દિવસે ગુજરાતમાં સરેરાશ 4% અને સૌરાષ્ટ્રમાં 19% ઓછો જળસંગ્રહ છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં ગત વર્ષે પ્રિ-મોન્સૂન વરસાદને કારણે 42,776 MCFT (કુલ ક્ષમતાના 46.79%) જળસંગ્રહ હતો, જેની સામે આ વર્ષે માત્ર 25,051 MCFT એટલે કે 27.40% જ પાણી બચ્યું છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ, પોરબંદર, દ્વારકા, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના પ્રેમપરા, અમીપુર, વેરી, અડવાણા, વડિયા, સાંકોલી, સાની, કૈલા, સરણ, સોરઠી, રૂૂપાવટી, ગઢકી, સબુરી, નિમ્બમણી, હમીરપરા, મોરસલ અને ઉંડ-2 સહિત કુલ 17 ડેમોમાં ’ઝીરો સ્ટોરેજ’ થતાં તે મેદાનમાં ફેરવાઈ ગયા છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં પણ ગત વર્ષના 41.78% (1,29,994 MCFT) સામે આ વર્ષે માત્ર 34.99% (1,04,320 MCFT) સ્ટોરેજ રહ્યો છે.

રાજ્યમાં એકમાત્ર આશાસ્પદ ચિત્ર ઉત્તર-મધ્ય ગુજરાતના 32 જળાશયો અને નર્મદા ડેમમાં જોવા મળ્યું છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ગત વર્ષે આ સમયે 50.82% સ્ટોરેજ હતો, જેની સાપેક્ષે આ વર્ષે 65.37% સ્ટોરેજ ઉપલબ્ધ છે, જે વર્તમાન સ્થિતિમાં રાજ્ય માટે મોટી રાહત સમાન છે.

નર્મદા ડેમમાં પાણીની સતત આવકથી રાહત, સપાટી 127 મીટરે
નર્મદા ડેમની જળસપાટીમાં સતત પ્રોગ્રેસિવ વધારો નોંધાઈ રહ્યો છે, જે સમગ્ર રાજ્યના જળ વ્યવસ્થાપન માટે આશીર્વાદ સમાન છે. પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં આવેલા નર્મદા નદીના કેચમેન્ટ વિસ્તારો (ઉપરવાસ) માં થઈ રહેલા સારા વરસાદને કારણે ત્યાંના પ્રખ્યાત ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમના પાવર હાઉસ વિધિવત રીતે શરૂૂ કરી દેવામાં આવ્યા છે. આ ડેમોમાંથી સતત પાણી છોડાતા ગુજરાતના કેવડિયા સ્થિત સરદાર સરોવર ડેમમાં 16,755 ક્યુસેક પાણીની ધીંગી આવક શરૂૂ થઈ ગઈ છે. પાણીની આ સતત આવકના પરિણામે નર્મદા ડેમની વર્તમાન સપાટી 126.79 મીટરે પહોંચી છે. ડેમમાં હાલમાં કુલ 3,324 એમસીએમ જેટલો વિશાળ લાઈવ સ્ટોરેજ જળજથ્થો ઉપલબ્ધ છે, પાણીની સારી આવકને જોતા નર્મદા નિગમના ઇજનેરો દ્વારા કેનાલ હેડ પાવર હાઉસ ના 3 મહત્વના હાઇડ્રો પાવર યુનિટોને એક્ટિવ કરી દેવામાં આવ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *