પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આજે એક દુર્ઘટના બની છે. પાવાગઢ ડુંગર પર આવેલા પાટિયાપુલ નજીક અચાનક પથ્થરો ગબડતાં કેટલાંક યાત્રિકો દટાયા હતા. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયાં છે. જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે. આ ઘટનાને પગલે યાત્રાળુઓમાં ભયનો માહોલ ફેલાયો છે.
મળતી વિગતો અનુસાર આજે વહેલી સવારે આશરે 5:૦૦ વાગ્યાના અરસામાં આ દુર્ઘટના બની હતી. ડુંગર પર વરસાદી પાણીનો પ્રવાહ અત્યંત વેગવંતો હોવાના કારણે પહાડ પરથી પથ્થરો અને ભેખડ ધસી પડી હતી અને બરાબર પાટિયાપુલ નજીકથી પસાર થઈ રહેલા યાત્રિકો તેની ચપેટમાં આવી ગયા હતા. પથ્થરોનો મોટો કાટમાળ નીચે ધસી આવતા દોડધામ અને ચીસાચીસ મચી ગઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ મૃતક અને ઈજાગ્રસ્ત યાત્રાળુઓ સુરત અને અમદાવાદ તરફના હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, સત્તાવાર ઓળખ અને વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, વહીવટી તંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી દીધી છે. કાટમાળ નીચે ફસાયેલા પાંચ જેટલા લોકોને ફાયર વિભાગની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યૂકરીને બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તેમજ વિસ્તારને સુરક્ષિત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાને પગલે યાત્રાળુઓમાં ચિંતા અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.
