રાજકોટના કુવાડવા રોડ પર આવેલી શ્રીરામપાર્ક, ભગવતીપાર્ક સહિતની સોસાયટીઓમાં છેલ્લા ઘણા દિવસોથી પાણીના ધાંધિયા ચાલી રહ્યા છે. ચાર-પાંચ દિવસે પાણી આવે છે અને એ પણ નાકે ડૂચા દેવા પડે તેવી દૂર્ગંધયુક્ત હોવાની વ્યાપક ફરિયાદો છે. મનપામાં સતત ફરિયાદો કરવા છતા કોઇ ઉકેલ ન આવતા અંતે આજે મહિલાઓ વિફરી હતી. ખરા તડકે કુવાડવા રોડ પર લાઇનબંધ બેસીને ચક્કાજામ કરી દેતા પોલીસ બોલાવવી પડી હતી. વોર્ડ નં.4 ઉપરાંત કુવાડવા રોડ પર શ્રીરામપાર્ક, ભગવતીપાર્ક વિસ્તારની મહિલાઓએ જણાવ્યુ હતુ કે, અમારા વિસ્તારમાં આમતો છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પાણીના ધાંધિયા છે. ક્યારે બે દિવસે તો ક્યારેક ત્રણ-ચાર દિવસે પાણી આવે છે. મનપામાં ફરિયાદ કરવા જાય તો દરવખતે એવો જવાબ મળે છે કે, કાલે પાણી આવી જશે. બીજુ એ કે અત્યંત દુર્ગંધયુક્ત પાણી આવતુ હોય ભયંકર રોગચાળાની ભીતિથી રહેવાસીઓ ફફડી રહ્યા છે.
મનપામાં વારંવાર રજૂઆત કરવા છતા સમસ્યાનો ઉકેલ ન આવતા આજે બપોરે મોટી સંખ્યામાં મહિલાઓ કુવાડવા રોડ પર ઉતરી આવી હતી. રસ્તો ચક્કાજામ કરી દેતા વાહનોના થપ્પા થઇ ગયા હતા. રોડ ખુલ્લ કરવા પોલીસને બોલાવવી પડી હતી.
નગરસેવકો ફોન સ્વીચ ઓફ કરી દે છે, અધિકારીઓ જવાબ આપતા નથી
મહિલાઓએ કહ્યુ હતુ કે, અમારા વિસ્તારમાં ચૂંટાયેલા નવા નગરસેવકોને પાણીની આવી ગંભીર સમસ્યાની કંઇ પડી નથી. ફોન કરીએ તો સ્વીચ ઓફ કરી નાંખે છે. તો બીજીબાજુ અધિકારીઓના નંબર માંડ કરીને અમને મળ્યા. અધિકારી સરખો જવાબ આપતા નથી.
