જીવનને ફરી ધબકાર આપતી માનવતાની રીત

  ભારતની ભૂમિ પર માનવતાની તો કસમો ખવાય છે. કેમકે દરેક વ્યક્તિ પોતાનામાં રહેલી શક્તિ, પ્રેમ અને કરૂણાને બીજાની જિંદગી બચાવવા ઉપયોગમાં લે છે. આમ…

 

ભારતની ભૂમિ પર માનવતાની તો કસમો ખવાય છે. કેમકે દરેક વ્યક્તિ પોતાનામાં રહેલી શક્તિ, પ્રેમ અને કરૂણાને બીજાની જિંદગી બચાવવા ઉપયોગમાં લે છે. આમ તો જીવનનો સાચો અર્થ જ એ છે કે મારી મદદથી કોઈનું ભવિષ્ય બદલી શકે કે ઉજળું બને. આવા મહાન કાર્યોને હંમેશા સન્માનની નજરે જોવાય છે. તેમજ આવી ભાવનાને સન્માન આપવા દર વર્ષે 14 જૂને સમગ્ર વિશ્વમાં „ “”world blood donor day”” ઉજવાય છે. નિ:સ્વાર્થ દાતાઓને સલામ છે, જે કોઈ અજાણી વ્યક્તિ માટે જીવનદાતા બની જાય છે.

આધુનિક સમયમાં વિકાસ સાથે તબીબી સારવારમાં પણ ગતિ આવી રહી છે. છતાં હજુ હજારો દર્દીઓને રક્ત નહીં મળતા જીવ ગુમાવવો પડે છે. રસ્તાના અકસ્માતો, પ્રસુતિ દરમિયાન જટીલતાઓ, કેન્સર ઉપચાર, કોઈપણ સર્જરી વગેરે આવી તો અનેક પરિસ્થિતિમાં રક્તની ખૂબ જરૂૂર પડે છે. આવી કપરી સ્થિતિમાં રક્તદાતા રક્ત આપીને એક પરિવારને આશાનો દીવો જગાવીને હિંમત આપે છે. સમયસરનું રક્ત માણસને એક નવી જિંદગી બક્ષે છે. રક્તદાન કેમ્પ જોવામાં એક સામાન્ય પ્રક્રિયા ભલે લાગે, પરંતુ આ જ પ્રક્રિયા જયારે એક માણસની કટોકટી સમયે રક્ત પૂરું પાડે ત્યારે તેના પરિવારની ખુશી જ આપણને સમજાવી જાય છે કે રક્તદાન કેટલું જરૂૂરી છે.

આજે પણ ઘણા લોકો માને છે કે, રક્તદાન કરવાથી કમજોરી આવે છે અથવા સ્વાસ્થ્ય પર અસર પડે છે, પરંતુ તબીબી વિજ્ઞાન ચોખ્ખું જણાવે છે કે, “રકતદાન એ એક સંપૂર્ણ સલામત પ્રક્રિયા છે અને એક સ્વસ્થ વ્યક્તિ દર 3 મહિને એકવાર રકતદાન કરી જ શકે છે.” માનવશરીરના તમામ અંગો કે રક્ત કોઈ કારખાનામાં બની શકતા નથી. તેને માત્ર માનવશરીર જ બનાવી શકે કે ઉપયોગમાં આવી શકે. એટલે જ રક્તદાન કરવું માનવ સેવાઓમાં સર્વોચ્ચ સેવા છે. આજે લોકોમાં જાગૃતિ આવી છે, પરંતુ અમુક અજ્ઞાનતાના લીધે હજુ પણ માણસો રક્તદાન કરતા નથી.

રક્તદાન એ કોઈ સામાજિક ફરજ નહીં, પણ એક મનુષ્ય તરીકે આપણી જવાબદારી છે. જેમાં આપણે ક્યારેય નહીં જાણી શકીએ કે આપણી થોડી એવી મદદથી કોણ બચશે. રેગ્યુલર રક્તદાન ના કરીએ તો કંઈ નહીં, પણ વર્ષમાં બે વાર તો અવશ્ય રક્તદાન કરો. તમારી આજુબાજુમાં પણ જાગૃતિ ફેલાવો. મિત્રો, પરિવારના સભ્યો કે પાડોશીઓને પ્રોત્સાહન પૂરું પાડો. બ્લડ બેંક કે કેમ્પમાં સ્વૈચ્છિક સેવા આપો. આપણી સેવાથી પ્રેરાઈને પણ લોકોમાં જાગૃતિ અવશ્ય આવી શકે છે.

રક્તદાનની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેમાં કોઈ ભેદભાવ નથી. ના જાતિની કોઈ સીમારેખા કે ના ધર્મનાં કોઈ વાડા કે ના કોઈ સમાજની લક્ષ્મણ રેખા કોઈ એક અજાણી વ્યક્તિનું લોહી બીજી અજાણી જ વ્યક્તિની નસોમાં વહે છે. ત્યાં આપણી માનવતા ઉપસી આવે છે. એટલે જ કહેવાય છે કે, “માનવતા પરમો ધર્મ.” સમાજમાં ઘણા પ્રકારના દાન થાય છે. કોઈ પૈસાનું દાન, કોઈ દીકરીને પરણાવવાનું દાન, કોઈ વિદ્યાર્થીઓના લાભાર્થે દાન કરે તેવી જ રીતે એક રક્તદાતા પોતાનાં રક્તનું દાન કરે. આ બધા જ દાનમાં કોઈ ભેદભાવ નથી. તમારાથી જે પણ બની શકે એ કરવું જ માનવતા છે. આર્થિક સહાય ના કરી શકો તો રક્ત આપીને પણ તમે એક મહાન દાતાની હરોળમાં આવી શકો છો.

આપણે ત્યાં એક કહેવત બહુ પ્રચલિત છે કે, “શક્તિ એવી ભક્તિ.” આ કહેવતને સાર્થક કરતા, માનવતાને શિરે ચડાવીને હંમેશા સેવાકાર્યોમાં તત્પર રહેવું જોઈએ. આપણાં બાળકો આ બધું જોઈને સમાજમાં નવી દિશા બનાવે છે. બાળકોને કહેવા કરતાં આપણું જોયેલું વધુ અનુકરણ કરે છે. તો જાગ્યા ત્યારથી સવાર સમજીને દરેક સેવાના કાર્યોમાં આપણી ભક્તિને સામેલ કરીએ. ખાસ, કોઈ પણ દર્દી રક્તના અભાવે તો મોતને ભેટવો જ ના જોઈએ. આ છે આપણી માનવતાની જીત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *