માળિયા (મિયાણા)ના જસાપરની સીમમાંથી નેશનલ હાઇવે કાઢવા સામે ખેડૂતોનો વિરોધ

25થી વધુ ખેડૂતોની આજીવિકા જાય છે કપાતમાં, કલેકટરને આવેદન માળીયા (મીંયાણા) તાલુકાના જસાપર ગામના ખેડૂતો દ્વારા ગામની સીમમાંથી પસાર થતા પ્રસ્તાવિત નેશનલ હાઈવે NH-151A (માળીયા-પીપળીયા…

25થી વધુ ખેડૂતોની આજીવિકા જાય છે કપાતમાં, કલેકટરને આવેદન

માળીયા (મીંયાણા) તાલુકાના જસાપર ગામના ખેડૂતો દ્વારા ગામની સીમમાંથી પસાર થતા પ્રસ્તાવિત નેશનલ હાઈવે NH-151A (માળીયા-પીપળીયા માર્ગ)ના જમીન સંપાદન સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ નવા રોડ પ્રોજેક્ટના કારણે સ્થાનિક ખેડૂતોની આજીવિકા જોખમાય તેમ હોવાથી મોટી સંખ્યામાં એકઠા થયેલા જસાપર ગામના ખેડૂતોએ મોરબી જિલ્લા કલેક્ટરને રૂૂબરૂૂ મળીને એક લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. કલેક્ટરે ખેડૂતોની રજૂઆતને ગંભીરતાથી સાંભળીને હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરી યોગ્ય ન્યાયસંગત કાર્યવાહી કરવાનું હૈયાધારણ અને આશ્વાસન આપ્યું હતું.

આ નવો હાઈવે પ્રોજેક્ટ જો અમલમાં આવે તો જસાપર ગામના આશરે 25 જેટલા ખેડૂતની 200 વીઘા ખેતીની જમીન કપાતમાં જાય તેમ છે, જેના કારણે કેટલાક ખેડૂતો સંપૂર્ણપણે જમીનવિહોણા બની જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત, નવા રોડના કારણે ભૌગોલિક પરિસ્થિતિ બદલાતા ચોમાસા દરમિયાન ગામની અન્ય આશરે 2,000 (બે હજાર) વીઘા જેટલી ઉપજાઉ જમીન પાણીના ડૂબ વિસ્તારમાં જવાની અને ખેતીને વ્યાપક નુકસાન થવાની મોટી ભીતિ સેવાઈ રહી છે.

ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે આ પ્રોજેક્ટથી પ્રભાવિત ખેડૂત પરિવારોને વતનમાંથી સ્થળાંતર કરવાની નોબત આવી શકે છે. આવેદનપત્રમાં ખેડૂતોએ જણાવ્યું છે કે, પીપળીયા ચાર રસ્તાથી માળીયા સુધીનો જૂનો હાઈવે ઓલરેડી અસ્તિત્વમાં છે, જેના નવીનીકરણ અને જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરી વર્ષ 2022માં જ ખેડૂતોને તેનું વળતર પણ ચૂકવી દેવાયું છે. તેમ છતાં, માત્ર મોટી બરાર ગામ પાસેના એક વળાંકને ટાળવા માટે NHAI દ્વારા આ નવો બાયપાસ જેવો રોડ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. હાલના રોડ અને નવા બનનારા રોડ વચ્ચેનું અંતર માંડ એક કિલોમીટરથી પણ ઓછું છે અને કુલ લંબાઈમાં પણ નજીવો જ ફેરફાર થાય છે, જેથી કરોડોના ખર્ચે અને ખેડૂતોને બરબાદ કરીને નવો રોડ બનાવવાની કોઈ તાર્કિક જરૂૂરિયાત જ જણાતી નથી.

જસાપરના ગ્રામજનોએ રજૂઆતમાં વધુમાં ઉમેર્યું હતું કે, અગાઉ બાજુના ચાંચાવદરડા ગામ સાથે પણ આ જ સમાન પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. ત્યારે ચાંચાવદરડા ગામના લોકોની રજૂઆતને ગ્રાહ્ય રાખીને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તે ગામને આ પ્રોજેક્ટમાંથી બાકાત રાખી જૂનો રોડ જ મંજૂર રાખવામાં આવ્યો હતો. આથી, જસાપર ગામના ખેડૂતોએ પણ માગ કરી છે કે તેમના ગામ સાથે ભેદભાવ રાખ્યા વિના, આ નવા રોડના પ્રસ્તાવને સદંતર રદ કરવામાં આવે અને તેની જગ્યાએ જૂના રોડને જ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવે જેથી કોઈ ખેડૂત પાયમાલ ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *